Mumbai News: ચાલતી કારમાં ભભૂકી આગ, કારના દરવાજા જામ, 2 ભાઈઓના ઘટનાસ્થળે જ મોત 

11 September, 2023 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, આ દુર્ઘટનામાં બે ભાઈઓના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં સવારે ચાલતી કારમાં અચાનક આગ લાગવાથી મોટો અકસ્માત સર્જાયો હતો. કારમાં આગ લાગવાથી બે ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પાંચ મિત્રો પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 4 વાગ્યે માટુંગા વિસ્તારમાં બીએ રોડ પર બની હતી. પાંચ લોકો પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની CNG કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ફાયરના એક અધિકારીએ જણાવ્યું કે ટક્કર બાદ કારમાં અચાનક આગ લાગી હતી અને તેમાં સવાર લોકોને વાહનમાંથી બહાર નીકળવાનો સમય મળ્યો ન હતો.

બે ભાઈઓનું મૃત્યુ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે મૃતકોની ઓળખ પ્રેમ વાઘેલા (18) અને અજય વાઘેલા (20) તરીકે થઈ છે. સાયન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કારમાં સવાર તમામ લોકો ઉપનગરીય માનખુર્દના રહેવાસી હતા. તે બધા એક પાર્ટીમાંથી પરત ફર્યા બાદ ફરવા માટે સાઉથ મુંબઈમાં મરીન ડ્રાઈવ તરફ જઈ રહ્યા હતા.

દરવાજો જામ થવાના કારણે મુસાફરો અટવાયા 

અધિકારીએ જણાવ્યું કે ઘટના દરમિયાન કારની ડાબી બાજુના બંને દરવાજાના લૉક જામ થઈ ગયા હતા, જેના કારણે કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા. ફાયર ઓફિસરે જણાવ્યું કે કારમાં સવાર 20 વર્ષીય હર્ષ કદમ 60 થી 70 ટકા દાઝી ગયા હતા, જ્યારે અન્ય મુસાફર હિતેશ ભોઈર (25) અને ડ્રાઈવર કુણાલ અત્તર (25)ને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ તમામની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ

અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી અને ઘાયલ લોકોને સાયન હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે એક સીએનજી કાર હતી અને તે રોડ ડિવાઈડર સાથે અથડાતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. પ્રારંભિક માહિતીના આધારે, અમે અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અધિકારીએ જણાવ્યું હતું.

fire incident mumbai news maharashtra news road accident south mumbai