02 January, 2023 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે બાંદ્રા વિસ્તારમાં માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની કથિત રીતે ધમકી આપનાર વ્યક્તિને પકડી પાડ્યો છે. આ માહિતી પોલીસે સોમવારે આપી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સે માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મોકલ્યો હતો.
પોલીસે આઈપી એડ્રેસ ટ્રેક કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને તેની ધરપકડ કરી. મુંબઈ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ મેઈલ મોકલવા પાછળનો આરોપીનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને તે તપાસ બાદ જ જાણી શકાશે.30 ડિસેમ્બરના રોજ બાંદ્રામાં માઉન્ટ મેરી ચર્ચને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા હુમલાની ધમકીભરી ઈમેલ મળ્યો હતો, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ IPCની 505(3) હેઠળ કેસ નોંધ્યો છે. દિવસ પછી પોલીસ અધિકારીઓએ જાણ કરી કે પ્રથમ ઈમેલને અનુસરીને બીજો ઈમેલ મળ્યો હતો જેમાં પ્રેષકે બાળકની માતા હોવાનો દાવો કર્યો હતો જેણે કથિત રીતે પ્રથમ ધમકીનો ઈમેલ મોકલ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું હતું કે તેમાં માતાએ માફી માંગી હતી કે તેનું સંતાન માનસિક રીતે બીમાર છે તેથી તેણે આવો સંદેશ મોકલ્યો.
આ પણ વાંચો: ઠંડીમાં ઠૂઠવાયું મહારાષ્ટ્ર: મુંબઈમાં માથેરાન જેવી ગુલાબી ઠંડી, જાણો મૌસમનો હાલ
તે જ દિવસે એક અલગ ઘટનામાં મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે એક અનામી કોલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં વિસ્ફોટ થશે. ફોન કરનારે પોતાની ઓળખ ઉત્તર પ્રદેશના અઝહર હુસૈન તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેની પાસે હથિયાર અને આરડીએક્સ છે. કોલ પર કાર્યવાહી કરતા આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની એક ટીમે તરત જ તપાસ શરૂ કરી અને કોલ કરનારની ધરપકડ કરી. પોલીસને પાછળથી જાણવા મળ્યું કે આ કોલ છેતરપિંડી છે.
પોલીસે ખુલાસો કર્યો કે આરોપી ફોન કરનારની ઓળખ નરેન્દ્ર કાવલે તરીકે થઈ હતી અને તેણે નશાની હાલતમાં આ ફોન કર્યો હતો. બંને કેસમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.