15 December, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લસણની પ્રતીકાત્મક તસવીર
Mumbai News: મુંબઈના બોરીવલીમાં શાકભાજીના વેપારીએ લસણ ચોરવાના આરોપમાં તેના કર્મચારીને માર માર્યો હતો.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મુંબઈ પોલીસે શાકભાજીના વેપારી ઘનશ્યામ આગરી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મૃતક પંકજ મંડલ શાકભાજી મંડીમાં બોરીઓ ચડાવવા-ઊતારવાનું કામ કરતો હતો. વેપારીએ પંકજને 6400 રૂપિયાની કિંમતનું 20 કિલો લસણ ચોરી કરતાં ઝડપ્યો હોવાના આરોપ સાથે તેની મારપીટ કરી હતી. વેપારીએ પંકજને ઢોર માર માર્યો હતો. જયાં સુધી પંકજ નીચે ન પડી ગયો ત્યાં સુધી વેપારી તેને પીટતો રહ્યો હતો.
પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ પ્રાપ્ત કરી છે. જેમાં વેપારી પંકજને નિર્દયાથી માર મારી રહ્યો હોવાનું દેખાય છે. પોલીસે આરોપી વેપારી સામે આઈપીસીની કલમ 302 હેઠળ મામલો નોંધ્યો છે. આ સાથે જ પોલીસે દુકાનદારની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મુંબઈના ગોરેગાંવમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. દારૂ પીવાના પૈસા ન આપવા પર એક વ્યક્તિએ પોતાની જ પત્નીને કથિત રીતે માર માર્યો હતો અને ત્યાર યાદ તેની હત્યા કરી નાખી હતી. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, મુંબઈના ગોરેગાંવ (પૂર્વ)માં એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી દીધી કારણ કે તેણે દારૂ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.
આ મામલે અધિકારીએ કહ્યું હતું કે 42 વર્ષીય આરોપીને રેલ્વે પોલીસે મલાડ વિસ્તારના માલવાણીમાંથી પકડ્યો હતો જ્યારે તે તેની પત્નીની હત્યા કર્યા બાદ શહેર છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરવીન અંસારી (26) ગુરુવારે સાંજે તેના ઘરે ગંભીર રીતે ઘાયલ મળી આવી હતી અને ડોક્ટરોએ તેને નજીકની હોસ્પિટલમાં મૃત જાહેર કરી હતી, અધિકારીએ જણાવ્યું હતું.