05 December, 2022 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં ચારકોપ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચારકોપ પોલીસે વેબ સિરીઝના નામે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને તેને અલગ-અલગ સાઇટ પર અપલોડ કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંબંધમાં પોલીસે નિર્માતા અને દિગ્દર્શક યાસ્મીન ખાન સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને એકની ધરપકડ કરી છે. યાસ્મીનની દોઢ વર્ષ પહેલા મુંબઈ સીઆઈયુ દ્વારા આવા જ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય મોડલની ફરિયાદ બાદ ચારકોપ પોલીસે ગુરુવારે યાસ્મીન, અનિરુદ્ધ પ્રસાદ જાંગડે, અમિત પાસવાન અને આદિત્ય વિરુદ્ધ IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ આ કેસમાં બળાત્કારની કલમો પણ ઉમેરવાની તૈયારી કરી રહી છે. પોલીસે જાંગડેની ધરપકડ કરી લીધી છે, પરંતુ બાકીના ત્રણ આરોપીઓ ફરાર છે.
નોંધનીય છે કે મોડલની ફરિયાદ મુજબ પીડિત મોડલને રાહુલ ઠાકુર નામના વ્યક્તિએ ફિલ્મમાં કામ કરવા માટે સંપર્ક કર્યો હતો અને તેને કેશવ નામના વ્યક્તિનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. કેશવે મોડલ પાસે તેના બાયોડેટા અને ફોટોગ્રાફ્સ માંગ્યા અને તેને રાહુલ પાંડે નામના વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું. જ્યારે પીડિત મોડલે રાહુલ પાંડેનો સંપર્ક કર્યો તો તેણે કહ્યું કે તેને એક વેબ સિરીઝમાં કામ કરવું પડશે જેમાં કેટલાક બોલ્ડ સીન હશે. વેબ સિરીઝ ભારતમાં રિલીઝ થવાની હોવાથી પીડિતાએ ના પાડી દીધી.
રાહુલ પાંડેએ આ વર્ષે ઓક્ટોબરમાં ફરી પીડિત મોડલનો સંપર્ક કર્યો અને કહ્યું કે તે એક મોબાઈલ એપ માટે વેબ સિરીઝ બનાવી રહ્યો છે જે વિદેશમાં રિલીઝ થશે અને તેમાં કેટલાક બોલ્ડ સીન પણ હશે. આ પછી પીડિત મોડલ તૈયાર થઈ ગઈ. બાદમાં તેણીને અનિરુદ્ધને મળવાનું કહેવામાં આવ્યું જે પીડિત મોડલને મલાડ પશ્ચિમમાં ભાબ્રેકર નગર સ્થિત ટાવર ફ્લેટમાં લઈ ગયો. ત્યાં યાસ્મિને પોતાની ઓળખ કેમેરાપર્સન તરીકે, અનિરુદ્ધ અને આદિત્યએ અભિનેતા તરીકે આપી.
નોંધનીય છે કે શૂટિંગ દરમિયાન યાસ્મિને પીડિત મોડલને તેના કપડા ઉતારવા કહ્યું હતું. કપડા ઉતારવાની ના પાડવા પર યાસ્મિને 15 લાખ રૂપિયાના માનહાનિના કેસની ધમકી આપી હતી, જેના પર પીડિત મોડલે યાસ્મીનના કહેવા શૂટિંગ કર્યુ હતું. આ પછી 22 ઓક્ટોબરે, જ્યારે પીડિત મોડલના એક સંબંધીએ તેના વીડિયો પોર્નોગ્રાફિક સાઇટ્સ પર હોવા વિશે કહ્યું, ત્યારે તેણે યાસ્મિનને ફોન કર્યો અને તેને ત્યાંથી હટાવવા માટે કહ્યું.
આના પર યાસ્મીન ખાને 25,000 રૂપિયાની માંગણી કરી, પરંતુ બાદમાં તેણે પીડિત મોડલનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. આ પછી જ પીડિત મોડલે ચારકોપ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. યાસ્મીન ખાનની મુંબઈ પોલીસે પોર્ન રેકેટમાં અગાઉ ધરપકડ કરી હતી, પરંતુ તે પછી આ ગેંગ બીજી હતી જેમાં કેટલીક સેલિબ્રિટી અને બિઝનેસમેન સામેલ હતા. આ કેસમાં યાસ્મીન ખાન જામીન પર બહાર હતી.