દાગીના બનાવતી કંપની સાથે થઈ ૯૦ લાખની છેતરપિંડી

11 June, 2023 09:35 AM IST  |  Mumbai | Mehul Jethva

વિશ્વાસ જીત્યા પછી દાગીના બનાવવા માટે આપેલાં સોનાનાં બિસ્કિટમાંથી ૨૪ કૅરૅટનું ૧,૬૪૮ ગ્રામ સોનું જ્વેલરી ફર્મે પાછું ન આપ્યું ત્યારે આ બનાવની જાણ થઈ

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : ગોરેગામમાં આવેલી એક કંપની બીજી મોટી બ્રૅન્ડેડ કંપનીઓ માટે દાગીના તૈયાર કરવાનું કામ કરે છે. તેણે ઑર્ડર પ્રમાણે એક જ્વલેરી ફર્મને દાગીના તૈયાર કરવા માટે સોનાનાં કેટલાંક બિસ્કિટો આપ્યાં હતાં. એ ફર્મે કંપનીનો વિશ્વાસ જીત્યા બાદ ધીરે-ધીરે છેતરપિંડી કરી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કંપનીને ૨૪ કૅરૅટ ગોલ્ડનું આશરે ૧,૬૪૮ ગ્રામ વજનનું સોનું પાછું મળ્યું નહોતું. ત્યાર બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ વનરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધવાવામાં આવી હતી.

મલાડ-ઈસ્ટમાં રાણી સતી માર્ગ પરની એક સોસાયટીમાં રહેતા અને ગોરેગામ-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલી વિરવાની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં મેસર્સ સુંદરજી ઍન્ડ સન્સ અને મેસર્સ સુંદરજી જ્વેલર્સના નામે ફર્મ ચલાવતા ૪૧ વર્ષના મેહુલ વાયાએ કરેલી ફરિયાદ અનુસાર ઉપરોક્ત બન્ને ફર્મમાં બ્રૅન્ડેડ કંપનીઓ ગોલ્ડ બારના રૂપમાં સોનું સપ્લાય કરે છે જેના બદલામાં કંપનીઓને સોનાનાં ઘરેણાં ઑર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવે છે. ગોલ્ડ બારના રૂપમાં મેળવેલા સોનામાંથી ઘરેણાં બનાવવા માટે ફરિયાદી ફર્મ બીજા જ્વેલરો પાસે દાગીના બનાવતી હોય છે. આશરે દોઢ વર્ષ પહેલાં ગોવિંદ સોની નામના માણસ સાથે ફરિયાદીની ઓળખાણ થઈ હતી. દરમિયાન ગોવિંદે કહ્યું હતું કે તેમનો પણ જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ છે. ત્યાર બાદ ૧૪ ઑક્ટોબર ૨૦૨૧થી ગોવિંદની ફર્મને કામ આપવામાં આવ્યું હતું અને એ માટે સોનાનાં કેટલાંક બિસ્કિટ પણ તેને આપવામાં આવ્યાં હતાં. ધીરે-ધીરે કરીને આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલાં સોનાનાં બિસ્કિટમાંથી આશરે ૯૦ લાખ રૂપિયાનું ૧,૬૪૮ ગ્રામ સોનું પાછું આપ્યું નહોતું. અંતે કંપનીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વનરાઈ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે ટેક્નિકલ માહિતીઓ મેળવી રહ્યા છીએ. ત્યાર બાદ આ કેસમાં વધુ તપાસ કરવામાં આવશે.’ 

mumbai news malad goregaon