30 December, 2024 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના મલાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મલાડ પશ્ચિમના માલવાનીમાં (Mumbai News) એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થામાં શનિવારે રાત્રે 10 વર્ષના છોકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની બાબત સામે આવી છે. અહીંના માલવણી પોલીસે જણાવ્યું હતું કે તેના મૃત્યુ પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ કેસમાં કોઈ અકસ્માતની શક્યતા ન હોવાથી માલવણી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે.
મળેલી માહિતી મુજબ મૃતક બાળકનો પરિવાર મલાડના માલવણી વિસ્તારમાં રહે છે. દસ વર્ષનો છોકરો ધાર્મિક શિક્ષણ માટે મદરેસામાં (Mumbai News) રહેતો હતો. ઉપરાંત, તે રજાઓમાં તેના પરિવારને મળવા જતો હતો. પોલીસને પરિવારના સભ્યો પાસેથી વધુ માહિતી મળી નથી. શનિવારે સવારે, છોકરાના માતા-પિતાએ તેને હંમેશની જેમ મદરેસામાં મૂકી દીધો હતો.
રાત્રે જ્યારે મદરેસાના (Mumbai News) અન્ય બાળકો રમવા બહાર ગયા ત્યારે છોકરાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 10 વર્ષના બાળકના આપઘાત પહેલા કોઈ ચિઠ્ઠી મળી નથી. પરિવારથી દૂર રહેવાના કારણે તેણે આત્મહત્યા કરી છે કે કોઈ અન્ય કારણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બાળકોમાં વધી રહ્યું છે આપઘાતનું પ્રમાણ
તાડદેવની તુલસીવાડીમાં મહાલક્ષ્મી બિલ્ડિંગમાં (Mumbai News) રહેતા મેઘવાળ સમાજના ૨૧ વર્ષના ઉદય ચૌહાણે પણ તેના ઘરના બેડરૂમમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. તાડદેવ પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર ઍક્સિડન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને પોસ્ટમૉર્ટમ બાદ ઉદયનો મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો. પોલીસે કહ્યું હતું કે સુસાઇડ પહેલાં ઉદયે વૉટ્સઍપ સ્ટેટસ રાખ્યું હતું જેમાં મૃત્યુ જીવનનો અંત નથી પણ નવા જીવનની શરૂઆત છે એવો ઉલ્લેખ કર્યો હતો.
મારાં ભાભી જયાબહેનની ૨૦ મિનિટ માટે આંખ લાગી એટલામાં ઉદયે બેડરૂમમાં જઈને સુસાઇડ કરી લીધું હતું એમ જણાવતાં ઉદયના કાકા અશોક ચૌહાણે ‘મિડ-ડે’ને (Mumbai News) કહ્યું હતું કે ‘મહાલક્ષ્મી બિલ્ડિંગના બારમા માળે રહેતા મારા મોટા ભાઈ જયસિંહનો પુત્ર ઉદય છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં હતો. તે શુક્રવારે રાતે અઢી વાગ્યે જમ્યો હતો. ત્યાર બાદ મોબાઇલમાં ગીત સાંભળી રહ્યો હતો. તેને જાગતો જોઈને ભાભીએ ઘણી વાર તેને સૂઈ જવા માટે કહ્યું હતું, પણ તેણે સાંભળ્યું નહોતું. તે શું કરી રહ્યો હતો એ જોવા માટે ભાભી પણ સૂતાં નહોતાં. અંતે સવારે ચાર વાગ્યે ઉદય બેડરૂમમાં ગયો એટલે ભાભીને એમ કે તે ત્યાં જઈને સૂઈ જશે. એટલે ભાભી પણ બહાર હૉલમાં સૂઈ ગયાં હતાં. આશરે ૨૦ મિનિટ પછી ભાભી પાછાં ઊઠીને ઉદય શું કરે છે એ જોવા ગયાં ત્યારે ઉદય દુપટ્ટાની મદદથી પંખા પર લટકી રહ્યો હતો. તાત્કાલિક તેને હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ગઈ કાલે સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’