મુંબઈગરાંઓને નહીં મળે નવી ‘એસી લોકલ’? જાણો કયું વિઘ્ન આવ્યું આડું

24 July, 2023 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેલવે બોર્ડ તરફથી મુંબઈ માટે 238 વંદે ભારત મેટ્રો (એસી લોકલ)ની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મળતી માહિતી મુજબ આ પ્લાન હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

ફાઈલ તસવીર

થોડાક જ સમય પહેલા રેલવે બોર્ડ (Mumbai Railways) તરફથી મુંબઈ માટે 238 વંદે ભારત મેટ્રો (એસી લોકલ)ની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મળતી માહિતી મુજબ આ પ્લાન હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ માટે મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન (MRVC) દ્વારા ટેન્ડર નોટિસ 4 જુલાઈના રોજ બહાર પાડવામાં આવી હતી. પરંતુ હવે આ વંદે મેટ્રો માટેના ટેન્ડરને મુલતવી રાખવાની જાણ MRVC વેબસાઇટ પર કરવામાં આવી છે. આ જારી કરવામાં આવેલા ટેન્ડરમાં 238 એસી લોકલ ઉપરાંત 35 વર્ષ સુધી તેમનું મેન્ટેનન્સ અને બે ડેપોના બાંધકામ માટેના ટેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

ઓગસ્ટ 2022માં મધ્ય રેલવેએ (Central Railway) રાજકીય વિરોધને કારણે લગભગ એક ડઝન જેટલી એસી લોકલ સર્વિસ બંધ કરી દીધી હતી. 10 મહિનાની રાહ જોયા બાદ 238 એસી લોકલની ફાઇલને રેલ્વે મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ હતી. એસી લોકલનું નામ બદલીને વંદે ભારત મેટ્રો રાખવામાં આવ્યું હતું. 

મુંબઈમાં હાલ જે એસી લોકલ ચાલે છે તે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) અને મેધા ઇલેક્ટ્રિક મોબિલિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 238 વંદે મેટ્રો માટે મોટી કંપનીઓ આ કામ માટે આગળ આવી શકે છે. 

મધ્ય રેલ્વેની એસી લોકલ ટ્રેનોમાં દરરોજ સરેરાશ 1200 જેટલા મુસાફરો મુસાફરી કરે છે. પશ્ચિમ રેલ્વેની દરેક લોકલમાં આશરે 1600 મુસાફરો મુસાફરી કરે છે. એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં દરેક એસી લોકલમાં સરેરાશ બમણો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલથી જૂન સુધી એસી લોકલ ટ્રેનમાં રોજના 63 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા. હવે પશ્ચિમ અને મધ્ય રેલવે પર દરરોજ કુલ 135 એસી લોકલ ચાલી રહી છે, જેમાં દરરોજ લગભગ 1.53 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ માટે જે ટેન્ડર આપવામાં આવ્યા હતા તે મોકૂફ રાખવામાં આવ્યા છે. આ ટેન્ડરો મોકૂફ રાખવા પાછળ બે મુખ્ય કારણો આપવામાં આવે છે. 
જોકે, આ બંને કારણો રાજકીય મામલા સાથે સંબંધિત છે. વાસ્તવમાં MRVC એ રાજ્ય સરકાર અને રેલવે વચ્ચેની એન્ટિટી છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ રેલવે અને રાજ્યએ 50:50ની ભાગીદારી ભજવવાની છે.

હવે રાજ્ય સરકારમાં NCP પક્ષના લોકો આવ્યા છે. 2 જુલાઈએ જ NCPના 8 મંત્રીઓએ શપથ લીધા હતા. 14 જુલાઈના રોજ અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ જ સમયે અન્ય મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી પણ કરવામાં આવી હતી. 17 જુલાઈના રોજ MRVCએ તેની વેબસાઈટ પર આ માટેના ટેન્ડર દસ્તાવેજને મુલતવી જાહેર કર્યો છે. હાલમાં ફંડિંગને લઈને સમસ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે.

mumbai railways mumbai local train central railway western railway vande bharat mumbai news mumbai