28 March, 2025 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ ભાંડુપના એક ઘરમાં રેઇડ પાડીને ૫૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ રેઇડ દરમ્યાન બે જણની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક સપ્લાયર છે અને બીજી વ્યક્તિ વિશે NCBને તપાસ દરમ્યાન ખબર પડી કે તે આ ડ્રગ્સનો મૅન્યુફૅક્ચરર છે. ત્યાર બાદ વધારે તપાસ કરતાં માહિતી મળી કે આરોપી રાયગડના મ્હાડમાં એક લૅબોરેટરીમાં મેફેડ્રોનનું ઉત્પાદન કરે છે. NCBના અધિકારીઓએ આ લૅબોરેટરી પર રેઇડ પાડીને મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ લૅબોરેટરીને સીલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
NCBએ જે સપ્લાયરને પકડ્યો છે તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કેસ નોંધ્યો હતો, પણ તે જામીન પર છૂટી ગયો હતો. જેલમાંથી બહાર આવીને તે ડ્રગ્સ મૅન્યુફૅક્ચરર્સની સિન્ડિકેટ સાથે જોડાયો હતો.
ભાંડુપના ઘરમાંથી NCBએ કુલ ૪૬.૮ કિલો મેફેડ્રોન પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી શોધી કાઢ્યું હતું.