મુંબઈ-અમદાવાદ હાઇવે પરની હેરાનગતિએ હદ વટાવી : સેલવાસથી બોરીવલી આવવામાં ૪ કલાકને બદલે ૧૭ કલાક લાગ્યા

16 July, 2024 07:46 AM IST  |  Mumbai | Rohit Parikh

વીક-એન્ડમાં પિકનિક મનાવવા ગયેલા સિનિયર સિટિઝનોનું ગ્રુપ રવિવારે સવારે ૧૦. ૩૦ વાગ્યે નીકળ્યું અને પહોંચ્યું છેક સોમવારની સવારે ૪ વાગ્યે

સેલવાસમાં રજા માણી રહેલા બોરીવલીના જૈન સોશ્યલ ગ્રુપના સિનિયર સિટિઝનો. વળતા પ્રવાસમાં આ મજા ઓસરી ગઈ હતી.

સેલવાસથી મુંબઈ આવતાં મનોર પાસે છેલ્લા ઘણા સમયથી રોડનું નૂતનીકરણ ચાલી રહ્યું છે એને લીધે બસમાં કે કારમાં પ્રવાસ કરતા લોકો હાડમારી ભોગવી રહ્યા છે. એ ઓછું હોય એમ છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે પડી ગયેલા દોઢ-બે ફુટના ખાડાઓએ પ્રવાસીઓની કમર તોડી નાખી છે. આ બાબતનો કડવો અનુભવ કરીને ચાર કલાકની મુસાફરી ૧૭ કલાકમાં પૂરી કરીને સેલવાસથી બોરીવલી પહોંચેલા જૈન સિનિયર સિટિઝનો જાણે કોઈ મોટી સજા ભોગવીને આવ્યા હોય એમ ત્રાહિમામ્ પોકારી ગયા છે.

આ સિનિયર સિટિઝનો આક્રોશમાં કહે છે કે પ્રશાસનના અધિકારીઓને કહો કે તેમની ઍર-કન્ડિશન્ડ ઑફિસ છોડીને આ રસ્તા પરથી તેમનાં વડીલોને લઈને વાહનમાં પ્રવાસ કરી જુઓ. 
બોરીવલીથી જૈન સોશ્યલ ગ્રુપના ૬૦ વર્ષથી ઉપરના ૪૦થી ૪૫ સભ્યો બોરીવલીથી ૧૨ જુલાઈએ નીકળીને સેલવાસ એક રિસૉર્ટમાં શનિ-રવિની રજા માણવા ગયા હતા. તેમણે બે દિવસ તો રિસૉર્ટમાં ખૂબ જ જલસા કર્યા, પણ સેલવાસથી પાછા બોરીવલી આવતી વખતે ખાડાવાળા રસ્તા અને ટ્રાફિકને કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે થાકી ગયા હતા. 

આ બાબતની માહિતી આપતાં આ ગ્રુપના લીડર અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેલવાસથી અમે રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે રિસૉર્ટમાંથી નીકળ્યા હતા. ત્યાં સુધી અમે ખૂબ જ ખુશ હતા. સેલવાસથી ચારોટી સુધી રસ્તામાં અમને નાના ખાડાઓ નડેલા, પણ એનાથી અમે એટલા કંટાળ્યા નહોતા. બપોરે ૨.૩૦ વાગ્યે અમે ચારોટી જમવા ઊતર્યા પછી મુસીબતની શરૂઆત થઈ હતી. ત્યાંથી અમને બોરીવલી પહોંચતાં ૧૨ કલાકથી વધારે સમય લાગ્યો હતો. અમે ગઈ કાલે પરોઢના ચાર વાગ્યે પહોંચ્યા હતા. રસ્તામાં બન્ને બાજુઓ પર લાંબી કતારોમાં ટ્રક અને કન્ટેનર ઊભેલાં હતાં. અમારી બસ કાચબાની ગતિએ ચાલતી હતી. રસ્તામાં ખાડાઓને લીધે અમે સીટ પર વ્યવસ્થિત બેસી શકતા નહોતા કે આરામ કરી શકતા નહોતા. અમારી ઊંઘ ઊડાડી દીધી હતી. ગૂગલ સતત અમને અઢી કલાકનો રસ્તો બતાવી રહ્યું હતું. ટ્રક-ડ્રાઇવરો અમને કહેતા હતા કે યે રોજ કા હૈ, રોડ કી હાલત બહુત હી ખરાબ હૈ. આ પરિસ્થિતિનું કારણ જણાવતાં અમને હોટેલવાળાએ કહ્યું હતું કે રસ્તાઓનું ઘણા સમયથી એકદમ ધીમી ગતિએ નૂતનીકરણ ચાલી રહ્યું છે, વરસાદને લીધે રોડની હાલત એકદમ કથળી ગઈ છે, મોટા-મોટા ખાડા પડી ગયા છે. બ્રિજ પર પણ કામ ચાલે છે.’

મુંબઈ-અમદાવાદ હાઇવેની હાલત જુઓ

આ પિ​ક્નિકમાં જોડાયેલા ૭૨ વર્ષના અતુલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મનોર પાસે એક જ જગ્યાએ ત્રણ કલાક અટકી ગયા હતા. ડાયાબિટીઝના પેશન્ટોની હાલત પેશાબ રોકીને ખરાબ થઈ ગઈ હતી. પુરુષો તો ઠીક પણ મહિલાઓ માટે વિકલ્પ શોધવો ખૂબ આકરો હતો. એક-બે જણને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. અમે તેમને પાછળની સીટ પર સુવડાવી દીધા હતા. બસ આગળ વધતાં વચ્ચે પેટ્રોલ-પમ્પ કે હોટેલ આવતાં માંડ તેમને હળવાશ થઈ હતી. જેમ-જેમ સમય વીતતો જતો હતો એમ હોશકોશ ઊડવા લાગ્યા હતા. અમે પોલીસ અને કૉર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. ત્યાંથી અમને જે નંબરો આપવામાં આવ્યા હતા એ નંબરો સ્વિચ્ડ-ઑફ આવતા હતા. અમારા મોબાઇલની બૅટરી પૂરી થવા લાગી હતી. શરીર કલાકોના કલાકો સીટ પર બેસવાથી અકળાઈ ગયું હતું. અમુક લોકોને તો પગમાં સોજા આવવા લાગ્યા હતા. પછી તો અમે અવનવી ગેમો, અંતાક્ષરી જેવી રમતો રમીને લોકોનો મૂડ ચેન્જ કર્યો હતો. રસ્તામાં હોટેલો આવતી હતી, પણ લોકોને કાંઈ જ ખાવાની ઇચ્છા થતી નહોતી. ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યે બોરીવલી પહોંચ્યા ત્યારે બધાએ હાશકારો અનુભવ્યો હતો.’

અર્જન્ટ ન હોય તો આ હાઇવે પરથી કોઈએ મુસાફરી કરવી જોઈએ નહીં એમ જણાવતાં આ ટૂરનાં મહિલાસભ્ય મીના દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને રસ્તામાં ખાડાને લીધે એક ટ્રક ઊંધી પડેલી જોવા મળી હતી. આવી દુર્ઘટના સમયે કોઈ ઍમ્બ્યુલન્સને આ રોડ પરથી પસાર થવું હોય તો કેવી રીતે થઈ શકે એ સૌથી મોટો સવાલ છે. અમારી બસમાં બધા જ સિનિયર સિટિઝનો હતા. એમાંથી કોઈની તબિયત પેશાબ રોકવાથી કે અન્ય કોઈ કારણસર લથડી હોત તો તેને અમે કેવી રીતે સારવાર માટે પહોંચાડી શક્યા હોત. ચારોટીથી બોરીવલી પહોંચવા માટે આશરે ત્રણેક કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ અમને સાડાતેર કલાક લાગ્યા હતા. સેલવાસથી કાઉન્ટ કરીએ તો અમે ૧૭ કલાકે બોરીવલી પહોંચ્યા હતા. પ્રશાસનની બેજવાબદારી અને ભૂલ અમારા બધા માટે સજા બની ગઈ હતી.’

mumbai potholes jain community western express highway mumbai rains mumbai monsoon mumbai mumbai news rohit parikh