12 June, 2023 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપરજૉય વાવાઝોડું આવવાની આગાહીને કારણે ગઈ કાલે પોલીસ દ્વારા આક્સા બીચ પબ્લિક માટે બંધ કરવામાં આવ્યો હોવાથી ત્યાં ફરવા ગયેલા લોકોએ નિરાશ થવાનો સમય આવ્યો હતો. તસવીર - અનુરાગ અહિરે
મુંબઈ : મહારાષ્ટ્રમાં ઑફિશ્યલી મૉન્સૂનનું આગમન થઈ ગયું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર મૉન્સૂન ગઈ કાલે મહારાષ્ટ્રમાં રત્નાગિરિ સુધી પહોંચી ગયું હતું અને બે દિવસમાં એ મુંબઈને દસ્તક દે એવી પૂરી શક્યતા છે. આ બે દિવસ દરમ્યાન રાતે અથવા પરોઢિયે મુંબઈમાં પ્રી-મૉન્સૂનનાં ઝાપટાં પડી શકે છે. એમ છતાં મુંબઈગરાએ હજી બે દિવસ સુધી ગરમીનો સામનો કરવો પડશે. શનિવારે મુંબઈમાં ૩૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે જૂન મહિનાનું એક દાયકાનું સૌથી વધુ તાપમાન હતું. ગઈ કાલે પણ પારો ૩૮.૩ ડિગ્રી તાપમાન બતાવતો હતો.
મુંબઈમાં ગઈ કાલે બિપરજૉય વાવાઝોડાની થોડીઘણી અસર જોવા મળી હતી અને દિવસ દરમિયાન કેટલીક વાર જોરમાં પવન ફૂંકાયો હતો. એ પવનમાં ઠંડકનો અહેસાસ જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે મુંબઈ અને થાણેની આસપાસના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વૃક્ષ તૂટી પડવાની કે પછી એની ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. થાણેના ખોપટ એસટી ડેપો પાસે એક તોતિંગ વૃક્ષની ડાળી તૂટી પડી હતી. એની જાણ ટીએમસીને કરવામાં આવતાં એના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કર્મચારીઓએ એ ડાળી કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. એ ઘટનામાં કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી. આ ઉપરાંત થાણેમાં જોખમી હોર્ડિંગને હટાવવા માટે પણ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.
સાવચેતીની દૃષ્ટિએ ગઈ કાલે મુંબઈગરાઓને બીચ પર જવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી. ચોપાટી, જુહુ અને માર્વે બીચ પર લોકોને જવા દેવાયા નહોતા. રવિવાર રજાનો દિવસ હોવાથી અને એમાં પણ સ્કૂલો શરૂ થાય એ પહેલાંનો છેલ્લો રવિવાર હોવાથી ઘણા પરિવારો પોતાનાં બાળકો સાથે બીચ પર પહોંચી ગયા હતા, પણ તેમને બીચ પર જવા ન દેતાં પાછા કાઢવામાં આવ્યા હતા.