20 May, 2023 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે મુંબઈમાં ચોમાસા પહેલાં નાળાંની સફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું. આ માટે તેઓ ઓશિવરામાં આવેલા મોટા નાળામાં પ્રવેશ્યા હતા અને સાંતાક્રુઝમાં એક નાળું અસ્વચ્છ હોવાથી સુધરાઈના વરિષ્ઠ અધિકારીઓને કારણદર્શક નોટિસ આપી હતી.
મુખ્ય પ્રધાને અંધેરીમાં રેલવે ટ્રૅક પરના બાંધકામ હેઠળના ગોખલે બ્રિજની પણ મુલાકાત લીધી હતી તથા અધિકારીઓને ચાલુ વર્ષની દિવાળી સુધીમાં બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવી શકે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
ડિસિલ્ટિંગના કામનું નિરીક્ષણ કરતી વખતે શિંદેએ સાંતાક્રુઝમાં મિલન સબવે ખાતેનું નાળું અસ્વચ્છ હોવાને કારણે બીએમસીના સ્ટૉર્મવૉટર ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર વિભાસ આચરેકરને કારણદર્શક નોટિસ આપી હતી.
ઓશિવરા ખાતે મુખ્ય પ્રધાન નાળાની સફાઈના કામનું નિરીક્ષણ કરવા નાળામાં ઊતર્યા હતા, જ્યારે શહેરની ઉત્તરે આવેલી પોઇસર નદી ખાતે તેમણે સુધરાઈના અધિકારીઓને નદી પૂર્ણપણે સાફ કરાઈ છે એની ખાતરી કરવા જણાવ્યું હતું.
દરમ્યાન ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં મીઠી નદી સહિત સફાઈકાર્યનાં સ્થળોની મુલાકાત લેનારા મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના કાર્યકારી પ્રમુખ નસીમ ખાને દાવો કર્યો હતો કે છેલ્લા ૧૫ દિવસથી મીઠી નદીમાંથી કચરો દૂર કરવાનું કામ હાથ ધરાયું નથી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે નાળાંની સફાઈનાં આવાં કામોના નામે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.
અનેક સ્થળોએ છ ફુટ ઊંડા નાળામાંથી માત્ર એક ફુટ કચરો કાઢવામાં આવ્યો છે એવો આક્ષેપ કરી નસીમ ખાને ઉમેર્યું હતું કે કૉન્ટ્રૅક્ટર્સ અને સુધરાઈના અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હતી.