પહેલા વરસાદમાં બીએમસીના દાવાઓ પર પાણી ફરી વળ્યું

25 June, 2023 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં શનિવારે બપોર પછી મેઘરાજાની જબરદસ્ત પધરામણી : મુંબઈગરાને ઠંડકનો થયો અનુભવ : દહિસરમાં વૃક્ષ તૂટી પડ્યું, અંધેરી સબવેમાં પાણી ભરાયાં : જોકે સત્તાવારપણે મૉન્સૂન હજી અલીબાગ પહોંચ્યું છે

મુંબઈમાં ગઈ કાલે આવેલો વરસાદ ગરમીથી રાહત લઈને આવ્યો હતો અને આવા વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી આ યુવતીએ. તસવીર: સૈયદ સમીર અબેદી

મૉન્સૂનની રાહ જોઈ રહેલા મુંબઈગરાઓને ગઈ કાલે થોડી રાહત થઈ હતી. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રી-મૉન્સૂનનાં ઝાપટાં પડવાને કારણે ગરમીમાંથી તેમને રાહત મળી હતી અને ઠંડકનો અનુભવ થયો હતો. શનિવાર સાંજે ચાર વાગ્યાની આસપાસ વરસાદનાં ઝાપટાં પડવાનું શરૂ થયું હતું. ભારે ગરમીથી અકળાયેલા લોકોએ એને કારણે રાહત અનુભવી હતી.

પહેલા જ વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં. જોકે આ બાબતે બીએમસીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એના પ્રવક્તાએ કહ્યું હતું કે અંધેરી સબવેમાં થોડીક વાર માટે પાણી ભરાયું હતું એ વાત સાચી, પણ અમે ત્યાં ઑલરેડી ગોઠવણ કરી છે એટલે પમ્પ ચાલુ કરાતાં જ પાણીનો નિકાલ થઈ ગયો હતો અને લોકોને વધુ હાડમારી ભોગવવી ન પડે એનો અમે ખ્યાલ રાખ્યો હતો. મલબાર હિલમાં વર્ષો જૂનું એક વૃક્ષ તૂટી પડ્યું હતું. વૃક્ષો તૂટવાની કેટલીક ઘટના બની હતી, પણ એમાં કોઈ જાનહાનિ થવાના કે કોઈના ઘાયલ થવાના અહેવાલ નહોતા.

મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે સત્તાવાર માહિતી આપતાં કહ્યું હતું કે ‘૧૧ જૂનથી મૉન્સૂન રત્નાગિરિ પાસે અટકી ગયું હતું, જે ગઈ કાલે ફરી સક્રિય થયું હતું અને અલીબાગ સુધી આવી પહોંચ્યું હતું. આવનારા ૪૮ કલાકમાં એ મુંબઈ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પહોંચી જશે. રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ જિલ્લામાં હાલ ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે, જ્યારે મુંબઈ સહિત પાલઘર અને થાણે માટે યલો અલર્ટ જાહેર કરાઈ છે. ગઈ કાલે કોંકણના વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો.’

આવનારા ચાર-પાંચ દિવસમાં પણ કોંકણના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ મોસમ વિભાગે દર્શાવી છે.  

લોકલ અટકી નહીં, થોડી મોડી પડી

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો ગઈ કાલે વરસાદને કારણે થોડી લેટ દોડી રહી હતી. રેલવે કન્ટ્રોલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર એમ ત્રણે લાઇનની ટ્રેનો ગઈ કાલે બપોરે પછી પડેલા વરસાદને કારણે ૧૦થી ૧૫ મિનિટ લેટ દોડતી હતી. જોકે કોઈ જગ્યાએ પાણી ભરાવાની મેજર ઘટના બની નથી. ઑફિસ અને નોકરી-ધંધેથી પાછા ફરી રહેલા મુંબઈગરાને થોડીઘણી હાડમારી ભોગવવી પડી હતી.

ઓરેન્જ અલર્ટ જાહેર

આંકડાબાજી
સવારના આઠથી રાતે આઠ વાગ્યા સુધી વરસાદ
મુંબઈ સિટી    ૭૧ એમએમ
ઈસ્ટર્ન સબર્બ્સ ૭૯ એમએમ
વેસ્ટર્ન સબર્બ્સ ૯૬ એમએમ 
ઝાડ/ડાળીઓ પડવાની ફરિયાદ
મુંબઈ સિટી - ૪
ઈસ્ટર્ન સબર્બ્સ - ૨
વેસ્ટર્ન સબર્બ્સ - ૫
પાણી ભરાવાનાં સ્થળો : દાદર, સાયન, તિલકનગર, અંધેરી અને દહિસર સબવે
બીએમસીના કર્મચારીઓએ પમ્પ દ્વારા અન્ય ગોઠવણ દ્વારા પાણીનો ઝડપી નિકાલ કર્યો.

જૂઠ બોલે સોશ્યલ મીડિયા...

બપોર પછી મુંબઈને ધમરોળનાર વરસાદને લઈ થોડા જ વખતમાં સોશ્યલ મીડિયામાં કેટલાક વિડિયો ફરતા થઈ ગયા હતા. એમાં સાયન-માટુંગાનો નીચાણવાળો ગાંધી માર્કેટ વિસ્તાર તથા માટુંગા અને સાયન પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયાં હોવાનો વિડિયો બહુ જ વાઇરલ થયો હતો. એ વિડિયો જ મોકલીને બીએમસીને એ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બીએમસીના ડેપ્યુટી કમિશનર ઉલ્હાસ મ્હાલેએ કહ્યું હતું કે ‘આ જે વિડિયો ફરી રહ્યો છે એ બે વર્ષ પહેલાંનો છે. બાકી હાલ ત્યાં પાણી ભરાયાં નથી. અમે એ માટે પહેલેથી જ તૈયારી કરી છે. યોગ્ય ગોઠવણ કરીને ત્યાં ભરાતાં પાણીનો ઝડપી અને યોગ્ય નિકાલ થાય એ માટે પમ્પની પણ વ્યવસ્થા કરાઈ છે. અમે વિનંતી કરીએ છીએ કે જૂનો વિડિયો વાઇરલ કરીને અફવા ન ફેલાવો. બીએમસીએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો પણ એનો ઝડપી નિકાલ કરવા પમ્પ પણ બેસાડ્યા છે અને અન્ય ગોઠવણ પણ કરી છે.’ 

mumbai monsoon mumbai rains brihanmumbai municipal corporation mumbai mumbai news