25 June, 2023 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલબાર હિલમાં તૂટી પડેલું ૧૫૦ વર્ષ જૂનું ઝાડ. તસવીર: શાદાબ ખાન
મલબાર હિલ-વાલકેશ્વરની ગીતાંજલિ સોસાયટીમાં ગઈ કાલે સવારે એક ૧૫૦ વર્ષ જૂનું આંબાનું વૃક્ષ તૂટી પડ્યું હતું જેને કારણે દસ કારને નુકસાન થયું હતું. આ ઘટના વિશે સોસાયટીના સેક્રેટરી રાજેશ બરફીવાલાએ કહ્યું હતું કે ‘બીએમસી દ્વારા તેમની મૉન્સૂન પહેલાંની કાર્યવાહી દરમ્યાન વૃક્ષો ટ્રિમ કર્યાં જ હતાં, પણ આ વૃક્ષ એનાં મૂળમાંથી ઊખડી ગયું છે જેથી કોઈને દોષ ન દઈ શકાય. સોસાયટીમાં અન્ય વૃક્ષો પણ છે જ, પણ પહેલી વાર આ રીતે વૃક્ષ તૂટી પડવાની દુર્ઘટના બની છે. લૉકડાઉન વખતે એક વૃક્ષની ડાળી તૂટી હતી, પણ એ સિવાય બીજી કોઈ દુર્ઘટના થઈ નથી. આ ઘટનાને કારણે સોસાયટીની બાઉન્ડરી વૉલને પણ નુકસાન થયું હતું. અંદાજે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એ સિવાય દસ લક્ઝરી કારને પણ નુકસાન પહોંચ્યું છે.’
મુંબઈના જાણીતા પર્યાવરણવિદ્ ડેબી ગોએન્કાએ કહ્યું હતું કે ‘સામાન્યપણે વૃક્ષોમાં કીડા લાગતાં એ નબળાં પડીને તૂટી જતાં હોય છે. જોકે દોઢસો વર્ષ જૂના આ વૃક્ષને પણ કીડા લાગ્યા એ અચરજભર્યું છે. બીજું, વૃક્ષની આસપાસ ખોદકામ કર્યું હોય તો એને કારણે અને જો વૃક્ષ વર્ષો જૂનું હોય તો પણ નબળું પડી શકે છે.’
- ઈશાન કલ્યાણીકર / શાદાબ ખાન