15 September, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સાંજે બાંદરાના કલાનગરમાં વરસાદ તૂટી પડ્યો હતો (તસવીર : નિમેશ દવે)
ગઈ કાલે બપોર પછી વરસાદે રમઝટ બોલાવ્યા બાદ આજથી પાંચેક દિવસ વરસાદ ચાલુ રહે એવી શક્યતા મૌસમ વિભાગે વ્યક્ત કરી છે. એથી આવતા બે દિવસ માટે મુંબઈ સહિત થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરીમાં યલો એલર્ટ જ્યારે રવિવારે તો મુંબઈને બાદ કરતા કોંકણના બાકીના જિલ્લઓમાં ઓરંજ એલર્ટ જાહેર કરાયું છે, આમ મુંબઈગરાના મનગમતા બાપ્પા આ વખતે વરસાદને લઇને આવી રહ્યા છે.
મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ફરી એક વખત બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાઈ રહ્યો છે જેની અસર ઓડિશા સહિત મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ સુધી જોવા મળશે. સાથે જ નૈઋત્યના મૉન્સુનમાં પણ ફેવરેબલ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાથી આવનારા પાંચેક દિવસમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા પડતા રહે એવી શક્યતા છે જ્યારે કેટલીક જગ્યાએ ગાજવીજ અને ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પણ પડી શકે એવી આગાહી મૌસમ વિભાગે કરી છે. આજ વાત ગુજરાત માટે પણ લાગુ પડે છે. ગઈકાલ બપોર પછી જ અસર વર્તાવવાની ચાલુ થઇ ગઈ હતી અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ એમ ત્રણ જ કલાકના ગાળામાં વિલેપાર્લેમાં સૌથી વધારે ૬૨ એમએમ વરસાદ પડ્યો હતો જ્યારે સાંતાક્રુઝ ૫૯ એમએમ, વસઇ ૨૨ એમએમ, વિરાર ૧૫ એમએમ અને પૂર્વના પરાભાંડૂપમાં બાવન એમએમ, વિક્રોલીમાં ૫૦ એમએમ અને કુર્લામાં ૪૭ એમએમ વરસાદ નોંધાયો હતો.