25 September, 2023 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આ વર્ષનું ચોમાસું સત્તાવાર રીતે એકાદ અઠવાડિયામાં પૂરું થવામાં છે ત્યારે વરસાદ રોકાવાનું નામ નથી લેતો. બે દિવસથી નાગપુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્રણેક દિવસથી મુંબઈ, થાણે અને પાલઘરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને આજથી બુધવાર સુધી આવી જ રીતે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરીને યલો અલર્ટ જારી કરવામાં આવી છે. આથી ગણેશોત્સવની શરૂઆતથી શરૂ થયેલો વરસાદ આ વખતે અનંત ચતુર્દશીના આગલા દિવસ સુધી રહેવાનો અંદાજ છે. જોકે અત્યારે વેધશાળાએ જાહેર કરેલા વરતારા મુજબ વિસર્જનના દિવસે વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
છેલ્લા બે દિવસથી મુંબઈ અને આસપાસમાં પડી રહેલો વરસાદ ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો. ગઈ કાલે સવારના આઠ વાગ્યા સુધી તળ મુંબઈમાં સબર્બ્સ કરતાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. તળ મુંબઈમાં પાંચ ઇંચ એટલે કે ૧૨૫ એમએમ અને પરાંમાં દોઢ ઇંચ એટલે કે ૩૮ એમએમ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદ થવાને કારણે તાપમાનમાં પણ પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે એટલે બે દિવસથી મુંબઈ અને આસપાસમાં સહેજ ઠંડી અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગે ગઈ કાલે આગાહી કરી હતી કે આગામી ૨૪ કલાક રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મુંબઈ અને થાણે સહિત કોંકણ વિસ્તારમાં પણ સારોએવો વરસાદ થઈ શકે છે એટલે અહીં યલો અલર્ટ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી મુજબ આજથી ત્રણ દિવસ સુધી રાજ્યના કોંકણ, રાયગડ, થાણે અને મુંબઈ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલો વરસાદ આગામી ત્રણ દિવસ સુધી કાયમ રહેશે.