03 July, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
છેલ્લા બે દિવસમાં રાજ્યમાં વરસાદનું જોર ઓછુ થયું હોય એવું લાગી રહ્યું છે. જૂનના છેલ્લા સપ્તાહમાં પડેલો ધોધમાર વરસાદ હવે ધીમો પડી ગયો છે. છતાં હવામાન વિભાગ તરફથી ખાસ સૂચના આપવામાં આવી છે કે, “રાજ્યમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ પડશે. વાસ્તવમાં રાજ્યમાં આગામી 4થી 5 દિવસ સુધી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના રત્નાગિરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
મુંબઈ, રાયગઢ, થાણે, પુણે, સતારા, અહમદનગર, નાસિક, ધુળે, નંદુરબાર, ઔરંગાબાદ, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ જિલ્લામાં વરસાદને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર શમ્યું છે. આ એલનીનોની અસર છે. પરંતુ ઘાટવિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે.
ઉપરાંત વિદર્ભમાં 2 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જેના કારણે અહીંના વિસ્તારોને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન મરાઠવાડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ તરફથી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલ છે. જો મુંબઈ હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી માહિતી પર નજર કરીએ તો રાજ્યમાં 5 જુલાઈ સુધી ઉત્તર-દક્ષિણ કોંકણ, ગોવા અને પૂર્વ-પશ્ચિમ વિદર્ભમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે ઘાટવિસ્તારમાં વરસાદનું જોર વધી શકે છે.
મુંબઈ હવામાન ખાતા એ પૂર્વ વિદર્ભ અને પશ્ચિમ વિદર્ભમાં આજથી 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે એવી પણ માહિતી આપી છે કે ત્યારબાદ વરસાદ ઘણા જિલ્લામાં પ્રવેશ કરશે.
હવામાન વિભાગે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતવણી આપી છે. પરંતુ 5 જુલાઈના રોજ આ વરસાદ ઓછો થશે. આ સમયે કેટલાક ભાગોમાં હળવોથી છુટોછવાયો વરસાદ પડશે તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર કોંકણમાં જુલાઈની શરૂઆતથી જ વરસાદ ચાલુ છે. આ સ્થિતિમાં 5 જુલાઈ સુધી ઉત્તર કોંકણમાં સર્વત્ર ભારે વરસાદ થવાની શક્યતા છે.