૨૬/૭ના જળબંબાકારમાં બચેલા ચર્ચગેટમાં આ વખતે પાણી ભરાયાં

28 July, 2023 11:15 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

જોકે ગઈ કાલે અને ૨૦૨૦માં આઠથી નવ ઇંચ વરસાદને લીધે ચર્ચગેટ અને મરીન લાઇન્સ સેક્શનમાં રેલવેના પાટા પર પાણી આવી ગયાં

ગઈ કાલે ભારે વરસાદને કારણે ચર્ચગેટ અને મરીન લાઇન્સ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયું હતું. (તસવીર : આશિષ રાજે)

૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હોવા છતાં વેસ્ટર્ન રેલવેના લોકલ નેટવર્કના છેલ્લા સ્ટેશન ચર્ચગેટ અને આસપાસમાં પાણી ભરાવાની મુશ્કેલી નહોતી સર્જાઈ. રેલવેના ઇતિહાસમાં અહીં ગમે એટલો વરસાદ પડે તો પણ કોઈ મુશ્કેલી નથી સર્જાતી. ગઈ કાલે સવારના ૮ વાગ્યા સુધીમાં કોલાબામાં ૨૨૩.૨ એમએમ એટલે કે ૯ ઇંચ જેટલો વરસાદ થયો હતો ત્યારે ચર્ચગેટ રેલવે સ્ટેશનની અંદર પાણી ઘૂસી ગયું હતું. કલાકો સુધી પમ્પની મદદથી રેલવેના પાટામાં ભરાયેલા પાણીને કાઢીને ટ્રેનવ્યવહારને નિયમિત રખાયો હતો. ચર્ચગેટમાં આટલું બધું પાણી જમા થવાથી લોકો ચોંકી ઊઠ્યા છે. નિષ્ણાતો અને રેલવેના મતે કોસ્ટલ રોડના ચાલી રહેલાના કામને લીધે આ વખતે આવી સમસ્યા ઊભી થઈ છે. જોકે રેલવેના પાટા સુધી પાણી આવી ગયા બાદ એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો એટલે ટ્રેનવ્યવહારને બહુ અસર નહોતી થઈ. ચર્ચગેટ મરીન લાઈન્સમાં પાણી ભરાવવા માટે રેલવેએ કોસ્ટલ રોડના કામને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે બીએમસીએ પાણીના નિકાલ માટેની ગટરમાં અવરોધ આવી જવાથી મુશ્કેલી ઉભી થઈ હોવાનું કહ્યું હતું અને રેલવેના દાવાને ફગાવી દીધો હતો.

તળ મુંબઈમાં ગઈ કાલે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ૯ ઇંચ તો પરા વિસ્તારમાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચર્ચગેટ અને મરીન લાઇન્સમાં કલાકો સુધી પાણી ભરાવાની સમસ્યા ગઈ કાલે સવારે જોવા મળી હતી. રેલવેના પાટાના લેવલે પાણી ભરાઈ જતાં પાણીના નિકાલ માટે પમ્પ મૂકવામાં આવ્યા હતા. સવાર બાદ જોકે વરસાદનું જોર ઘટી ગયું હતું એટલે બહુ વાંધો નહોતો આવ્યો, પણ બપોર બાદ ફરી વરસાદનું જોર વધતાં અહીં થોડું ઘણું પાણી ફરી ભરાવા લાગ્યું હતું. રેલવેલાઇનના ભાગમાં ભરાયેલું પાણી પમ્પ દ્વારા પાટાની નજીકના રસ્તામાં કાઢવામાં આવ્યું હતું એટલે રેલવે તો બરાબર ચાલી હતી, પરંતુ નજીકના રસ્તામાં એકાદ ફુટ જેટલું પાણી ભરાઈ જવાથી લોકોને તકલીફ થઈ હતી.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડના ચાલી રહેલા કામમાંથી નીકળી રહેલો કાટમાળ પાણીના નિકાલના રસ્તાને અવરોધી રહ્યો છે એટલે આ વખતે ચર્ચગેટ-મરીન લાઇન્સ સેક્શનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. રેલવેના ટ્રૅકના મરીન ડ્રાઇવ તરફના ભાગમાં તમામ મૅનહોલ ઓવરફ્લો થઈ રહ્યા છે. જ્યાં આ મુશ્કેલી થઈ છે ત્યાંની વેસ્ટર્ન રેલવેના સંબંધિત અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

જો કે બીએમસીએ કોસ્ટલ રોડના કામને લીધે પાણી ભરાવાની સમસ્યા થઈ હોવાના દાવાને ફગાવી દીધો છે. બીએમસીએ આ સંબંધે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે દક્ષિણ મુંબઈમાં પાટણજૈન રસ્તામાં આવેલી વરસાદના પાણીના નિકાલ માટેની અન્ડરગ્રાઉન્ડ પાઇનલાઇનના સમુદ્રના કિનારા પરના મુખ પાસે કચરો અને પથ્થરો જમા થઈ ગયા હતા એટલે એમાંથી ઓછા પ્રમાણમાં પાણી નીકળતું હોવાનું ધ્યાનમાં આવતાં એ સાફ કરવામાં આવ્યો હતો એટલે બાદમાં પાણી સડસડાટ નીકળી જવા માંડ્યું હતું. આ લાઈન કોસ્ટલ રોડના ચાલી રહેલા કામની બીજી તરફ આવેલી છે એટલે કોસ્ટલ રોડના કામને લીધે પાણી ભરાયા હોવાનું કહેવું યોગ્ય નથી.

૩ ઑગસ્ટ ૨૦૨૦
ચર્ચગેટ સ્ટેશનમાં પાણી ભરાવાની પહેલી સમસ્યા ૨૦૨૦ની ૩ ઑગસ્ટે નોંધાઈ હતી. એ દિવસે ચર્ચગેટ રેલવે સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગની સાથે બાજુમાં આવેલી હેરિટેજ ઇમારતમાં પણ પાણી ઘૂસી ગયું હતું. ૨૬ જુલાઈના ભારે વરસાદમાં પણ જ્યાં પાણી નહોતું ભરાયું ત્યાં સામાન્ય વરસાદમાં રેલવે સ્ટેશનના બફર એન્ડમાં પાણી ઘૂસી ગયું હતું. નિષ્ણાતો અને રેલવેના મતે કોસ્ટલ રોડના કામને લીધે પાણીના નિકાલમાં અડચણ આવવાથી આવું થયું છે. ફરી આવું ન થાય એ માટે જરૂરી પગલાં લેવામાં આવશે એવી ખાતરી એ સમયે આપવામાં આવી હતી, પરંતુ લાગતું નથી કે કોઈએ એના પર કામ કર્યું હોય. નહીં તો ત્રણ વર્ષ બાદ ગઈ કાલે ફરી અહીં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાત.

mumbai rains mumbai monsoon churchgate marine lines Weather Update mumbai weather juhu beach arabian sea colaba mumbai mumbai news prakash bambhrolia