વસઈ-વિરાર થયાં પાણી-પાણી

20 July, 2023 11:12 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મોટા ભાગના રસ્તાઓ, ગલીઓ અને સોસાયટીની અંદર પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

ગઈ કાલે રાત્રે હિન્દમાતામાં પાણી ભરાઈ ગયાં હતાં (તસવીર : આશિષ રાજે)

વસઈ-વિરારમાં મંગળવાર રાતથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. મુશળધાર વરસાદને કારણે વસઈ-વિરારના વિવિધ વિસ્તારોમાં પૂરની જેમ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. વાહનોની અવરજવરમાં મુશ્કેલી થઈ હતી અને રિક્ષાઓ ઓછી દોડતી હોવાથી લોકોએ કામ પર જવું મુશ્કેલ બન્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ મંગળવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો.

વિરારમાં વિવા કૉલેજ પાસેનો રોડ, ચંદનસર રોડ, બોલિંજ અગાસી રોડ, નાલાસોપારામાં સ્ટેશન નજીકનો વિસ્તાર, તુલિંજ, અચોલે, હનુમાનનગર, ટાંકી રોડ, પ્રગતિનગર, રામનગર, ધાનિવબાગ, પેલ્હાર, વસઈમાં સાગરશેત પેટ્રોલ-પમ્પ પાસેનો રોડ, દેવ તળાવ, બંગલી રોડ, નવઘર બસ-સ્ટૅન્ડ, વસઈ-પૂર્વ સ્ટેશન વિસ્તાર, એવરશાઇન મેઇન રોડ, વિશાલનગર, શાંતિનગર, માણિકપુર, આનંદનગર, નાયગાંવ-પૂર્વમાં સ્ટાર સિટી, પરેરાનગર રોડ, જુચંદ્રા ફ્લાયઓવર પાસેનો વિસ્તાર, વાકીપાડા જેવાં વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ પાણીમાંથી પસાર થતાં લોકોએ જહેમત ઉઠાવવી પડી હતી. વાહનવ્યવહારની વ્યવસ્થા ખોરવાઈ જવાથી વરસાદમાં કામકાજ માટે ઘરેથી નીકળેલા લોકોએ રિક્ષાની રાહ જોવામાં હેરાન થવું પડ્યું હતું તો કેટલાક લોકોએ ઘૂંટણ સુધીના પાણીમાંથી ચાલીને મુસાફરી કરવી પડી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ઘૂસી જવાને કારણે શહેરીજનોને પોતાનો સામાન બચાવવા દોડાદોડ થઈ હતી. પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકાએ અનેક ઠેકાણે પમ્પ લગાવ્યા હતા, પરંતુ સતત વરસાદને કારણે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાઈ હતી.

વસઈ, નાલાસોપારા અને વિરારના રસ્તાઓ પર આ રીતે પાણી ભરાઈ ગયાં હતાં

વસઈ-ઈસ્ટમાં રિક્ષાના ધાંધિયા

બપોર બાદ વસઈ-ચિંચપાડાથી સ્ટેશન અને એવરશાઇનથી સ્ટેશન રિક્ષાઓ બંધ થઈ ગઈ હતી એટલે કારખાનાંમાં કામ પર ગયેલો સ્ટાફ અને વેપારીઓ વરસાદને કારણે ઘરે જવા હેરાન થયા હતા. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં રિક્ષાઓ બંધ કરી દેવાઈ હોવાથી સ્ટેશને આવવા લોકોની દોડાદોડ થઈ હતી. વસઈના ચિંચપાડાથી સ્ટેશન જવા નીકળેલા વેપારી પ્રકાશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વરસાદનું પ્રમાણ વધતાં ઘરે જવા મોટા ભાગના વેપારીઓ અને સ્ટાફ નીકળી ગયા હતા. જોકે રિક્ષા જ ન હોવાથી કલાક વેડફ્યા બાદ એક પ્રાઇવેટ બસ જતી હોવાથી લોકો એમાં ચડી ગયા હતા. બસની અંદર પણ પાણી ઘૂસી રહ્યું હતું. અમે સ્ટેશને છેક દોઢ કલાકે પહોંચ્યા હતા. મહિલા કર્મચારીઓ પણ ખૂબ હેરાન થઈ રહી હતી.’

રિક્ષાઓએ બમણું ભાડું વસૂલ્યું

વિરારમાં સ્ટેશનથી પ્રવાસ કરીને વેસ્ટના ભાગમાં જઈ રહેલી મીનાક્ષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદને લીધે સ્ટેશનથી રિક્ષાઓ ગાયબ થઈ ગઈ હતી. મોટા ભાગની રિક્ષાઓ બંધ હતી અને જે દોડી રહી હતી એ બમણું ભાડું વસૂલ કરતી હતી. શૅરિંગ રિક્ષાના ૨૦ રૂપિયાની જગ્યાએ ૫૦ રૂપિયા લેવાઈ રહ્યા હતા.’

વસઈનો સનસિટી રોડ પાણી હેઠળ

વસઈ-પશ્ચિમમાંથી પસાર થતો સનસિટી રોડ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર બની ગયો હતો. એને કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. ચોમાસામાં આવતા પૂરની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મહાપાલિકાએ સનસિટી-ગાસ રોડ પર જગ્યા ખુલ્લી કરીને રસ્તો તૈયાર કર્યો હતો, પરંતુ કોઈ ફરક ન પડતાં આ રસ્તાઓએ સમુદ્રનું સ્વરૂપ લીધું હતું.

રાજ્યમાં પાંચ દિવસ ભારે

મંગળવારથી શરૂ થયેલા ભારેથી અતિ ભારે વરસાદને લીધે રાજ્યના ૩૦ જિલ્લામાં પાણી ભરાવાની મુશ્કેલી ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. રાયગડ અને રત્નાગિરિ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગની માહિતી મુજબ આગામી પાંચ દિવસ રાજ્ય માટે ભારે રહેવાની શક્યતા છે. આથી કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર સહિત વિદર્ભમાં વરસાદનું જોર વધી શકે છે. રાયગડ, પાલઘર અને થાણે જિલ્લામાં ઓરેન્જ અલર્ટ તો મુંબઈમાં યલો અલર્ટ જારી કરવામાં આવી છે.

પુણે વેધશાળાનાં અધિકારી શિલ્પા આપટેના કહેવા મુજબ હવામાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થવાથી મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે જે આગામી પાંચ દિવસ સુધી ચાલું રહેશે. કોંકણના દરિયાઈ કિનારા વિસ્તારમાં તો વરસાદની સાથે જોરદાર હવા ફૂંકાઈ રહી છે એટલે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે.

મહાનગરપાલિકાએ વાહનોની વ્યવસ્થા કરી

વસઈ, નાલાસોપારા અને વિરારમાં રસ્તાઓ જળમય થવાથી પ્રાઇવેટ વાહનો ચાલી શકે એમ નહોતાં. રિક્ષાઓ પણ બંધ પડી હોવાથી લોકોને અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું હતું. એથી વસઈ-વિરાર મહાનગરપાલિકા દ્વારા વાહનોની વ્યવસ્થા સ્ટેશન પર કરવામાં આવી હતી. વસઈના મીઠાગર વિસ્તારમાં પાણી હેઠળ આખો વિસ્તાર ગયો હોવાથી લોકોએ ચાલીને જવું પડ્યું હતું. આ સિવાય એક ભાઈએ પોતાના ટ્રેક્ટરમાં વ્યક્તિદીઠ ૨૦ રૂપિયા લઈને પણ છોડ્યા હતા.

મુંબઈ કરતાં થાણેમાં વધુ વરસાદ

મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જોકે ગઈ કાલે સાંજે ૬ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન મુંબઈ કરતાં થાણે જિલ્લામાં ડબલ કરતાં વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાબામાં ૯૮.૪ એમએમ તો સાંતાક્રુઝમાં ૫૨.૮ એમએમ વરસાદ નોંધાયો હતો. આની સામે થાણેમાં સૌથી વધુ કલ્યાણના આધારવાડીમાં ૧૫૯.૨ એમએમ,  ડોમ્બિવલીમાં ૧૪૮.૪ એમએમ, ટિટવાલામાં ૧૪૨ એમએમ, થાણેના કાસારવડલીમાં ૧૩૪.૨ એમએમ અને પનવેલમાં ૧૩૩.૪ એમએમ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે ઠેર-ઠેર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સૌથી વધારે તકલીફ થાણે, કલ્યાણ, ડોમ્બિવલી અને પનવેલના લોકોને થઈ હતી. ડોમ્બિવલીમાં સ્ટેશનની આસપાસ પાણી ભરાઈ ગયા હતા જ્યારે કલ્યાણમાં તો સ્ટેશન ઉપરાંત માર્કેટ પણ જળબંબાકાર થયેલું જોવા મળ્યું હતું.

mumbai rains mumbai monsoon mumbai weather Weather Update brihanmumbai municipal corporation dadar thane vasai nalasopara virar mumbai mumbai news preeti khuman-thakur