આવનારા દિવસોમાં કડાકા-ભડાકા અને ગડગડાટ સાથે વરસાદ પડવાની શક્યતા

04 September, 2023 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોસમ વિભાગ દ્વારા રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આવતી કાલથી સતત ત્રણ દિવસ યલો અલર્ટ જાહેર કરી દેવાઈ છે

ફાઇલ તસવીર

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી ઝરમર-ઝરમર ઝાપટાં પડી રહ્યાં છે. જોકે આ અઠવાડિયામાં હવે ફરી એક વખત ગડગડાટ અને કડાકા-ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

આ વિશે માહિતી આપતાં મોસમ વિભાગના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બંગાળના અખતામાં હળવા દબાણનો પટ્ટો સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત હાલ જે પવનો છે એ બંને તરફથી એટલે કે પશ્ચિમથી-પૂર્વ અને પૂર્વ-પશ્ચિમ એમ સામસામે અથડાઈ રહ્યા છે. વળી આ જે પરિસ્થિતિ છે એ અપર લેવલમાં થઈ રહી છે. એથી આવનારા દિવસોમાં એની અસરને કારણે ગાજવીજ તથા વીજળીના કડાકા-ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.’    

મોસમ વિભાગ દ્વારા રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આવતી કાલથી સતત ત્રણ દિવસ યલો અલર્ટ જાહેર કરી દેવાઈ છે, જ્યારે થાણેમાં બુધ અને ગુરુ માટે યલો અલર્ટ જાહેર કરાઈ છે. મુંબઈને એમાંથી બાકાત રખાયું છે. જોકે મુંબઈમાં પણ આ દિવસો દરમ્યાન વરસાદનાં હલકાંથી ભારે ઝાપટાં પડતાં જ રહેશે એવી આગાહી મોસમ વિભાગ દ્વારા કરાઈ છે.  

mumbai monsoon mumbai rains Weather Update mumbai weather colaba juhu arabian sea mumbai mumbai news