27 June, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જુલાઈ મહિનો પતવા આવ્યો છે પરંતુ હજી સુધી મુંબઈ (Mumbai)માં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. આ વર્ષે ચોમાસું બે અઠવાડિયા મોડું બેઠું હોવાથી શહેરમાં પાણીની સમસ્યાઓ વર્તાઈ છે. ભલે ત્રણ દિવસથી મુંબઈમાં વરસાદ (Mumbai Rains) પડી રહ્યો છે. પરંતુ ચોમાસાની મોડી શરુઆતને કારણે જળાશયોમાં પાણી ઓછું છે. એટલે શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં માત્ર ૧૨ ટકા જ પાણી છે.
વર્ષાઋતુના બે મહિના બાદ પણ જળાશયોના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો બાકી છે. હાલમાં, મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ અનામત પાની સહિત માત્ર ૧૨ ટકા પાણીનો સંગ્રહ છે. સંગ્રહિત પાણીનો આટલો જથ્થો આ મહિનાના અંત સુધીમાં પુર્ણ થઈ જશે. એટલે શહેરમાં પાણીની અછત વર્તાશે. તેથી પહેલી જુલાઈથી બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation) પહેલી જુલાઈથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ મુકે તેવી શક્યતા છે.
ગયા વર્ષની સરખામણીએ જળાશયોમાં પાણીની સપાટી આ વર્ષે નીચી છે. પાલિકા દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર ૨૨.૫૧ ટકા છે. મોડક-સાગર ખાતે ૨૬.૬૪ ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે. મધ્ય વૈતરણામાં ૯.૫૨ ટકા, ભાતસામાં ૦.૮૮ ટકા, વિહારમાં ૨૪.૬૬ ટકા અને તુલસીમાં ૨૮.૭૬ ટકા ઉપયોગી જળસ્તર છે.
મુંબઈમાં પહેલી ઓક્ટોબર સુધીમાં સાત તળાવોમાં કુલ ૧૪.૪૭ લાખ મિલિયન લિટર (એમએલ) પાણીના સંગ્રહની જરૂર છે જે એક વર્ષ માટે શહેરીજનો માટે પૂરતું છે. જોકે, સોમવારે શહેરમાં કુલ પાણીનો સંગ્રહ ૯૫,૧૨૩ દસ લાખ ઘનમીટર (૬.૫૭ ટકા) હતો. રાજ્ય સરકાર દ્વારા ભાતસા (Bhatsa) અને અપર વૈતરણા (Upper Vaitarana) તળાવોમાં ૧.૫ લાખ મિલિયન લિટરના અનામત સ્ટોકની જોગવાઈથી નગરપાલિકાને જુલાઈના અંત સુધી પાણી પહોંચાડવામાં મદદ મળશે.
પાણી પુરવઠાના અન્ય સ્ત્રોતો વિકસાવવામાં પાલિકા નિષ્ફળ ગઈ હોવાથી પાણી કાપ એ છેલ્લો ઉપાય હશે. પાલિકાના જળ વિભાગે પહેલી જુલાઈથી પાણીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાની દરખાસ્ત તૈયાર કરી છે અને પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ (Iqbal Singh Chahal)ની મંજૂરી બાદ તેનો અમલ કરવામાં આવશે.
જોકે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, પહેલી જુલાઈથી શહેરમાં ૧૦ ટકા પાણીકાપ આ એક દરખાસ્ત છે જે વિચારમાં છે તેનો અમલ પહેલી જુલાઈથી કરવામાં આવશે. આ બાબતે હજી આખરી નિર્ણય લેવાનો બાકી છે.
દરમિયાન, હવામાન વિભાગની આગાહી છે કે મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં આજે દિવસભર મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, મુંબઈ અને નજીકના જિલ્લાઓમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે.