22 September, 2023 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Mumbai Monsoon 2023 : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના હજી એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં સરેરાશ વરસાદ થયો નથી. આ સાથે જ મળતી માહિતી અનુસાર આગામી સમયમાં પણ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર 26 સપ્ટેમ્બરથી દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાય તેવી શક્યતા છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ઉત્તર ભારતના ઘણા ભાગોમાંથી ચોમાસું (Mumbai Monsoon 2023) પૂરું થઈ જશે. જો કે, સપ્ટેમ્બરના છેલ્લા સમયમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે.
આ વર્ષે ચોમાસાંએ 17 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાંથી પરત ફરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 5 ઓક્ટોબરની આસપાસ ચોમાસું ઉત્તર મહારાષ્ટ્રમાંથી પાછું ખેંચાઇ જાય તેવી શક્યતા છે. ચોમાસાને રાજ્યના બાકીના વિસ્તારોમાંથી પસાર થતાં પાંચથી દસ દિવસનો સમય લાગે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયની સ્થિતિને જોતાં જણાઈ રહ્યું છે કે 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું મોટેભાગે પૂરું થઈ જશે.
આ સાથે જ જો વર્ષ 1975થી 2022ના સમયગાળામાં અત્યાર સુધીના ચોમાસાની પુરી થવાની તારીખો પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે વર્ષ 2005માં ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ 2007માં આ જ તારીખ 30 સપ્ટેમ્બર હતી. આનો અર્થ એ થયો કે ચોમાસું પાછું ખેંચાય છે તેની તારીખો જુદી-જુદી જોવા મળે છે, જેમાં ઘણો જ ફરક જોઈ શકાય છે.
આ વર્ષની વાત કરવામાં આવે તો હાલની સ્થિતિને જોતાં એવું જણાઈ રહ્યું છે કે હજુ ચોમાસાં (Mumbai Monsoon 2023)ની પરત ફરવાની યાત્રા શરૂ થઈ નથી. જોકે, તે તેની પરત ફરવાની યાત્રા ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવામાનની સ્થિતિને જોતા 26 સપ્ટેમ્બરથી દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર રાજ્યની વાત કરવામાં આવે તો આ વર્ષના ચોમાસા (Mumbai Monsoon 2023)ની પાછી ખેંચાવાની તારીખ 5 ઓક્ટોબર પછી શરૂ થઈ શકે તેવી શક્યતા છે. જો કે, ચોમાસું પાછું ફરે તે પહેલા જ એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. ભલે, તે મુશળધાર વરસે પરંતુ પાણીની અછત પુરી થઈ શકે એમ નથી.
આ વર્ષે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી. જેના કારણે જ ખેડૂતો સામે મોટા પાયા પર સંકટ ઊભું છે. હાલમાં પીવાના પાણીની સાથે અમુક જિલ્લાઓમાં ઘાસચારાની પણ ગંભીર સમસ્યા નિર્માણ પામી છે. આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને 5 ઓક્ટોબર સુધી વરસાદની ચિંતા છે. સરેરાશ વરસાદ હજુ પણ ઓછો હોવાથી આ મોટી ખાધ ચાલુ રહેવાની શક્યતા છે.