ભારે વરસાદ વખતે અંધેરી સબવે જળબંબાકાર થશે જ

19 June, 2023 08:46 AM IST  |  Mumbai | Prajakta Kasale

અગાઉ મોટા દાવા કરનારી સુધરાઈએ કરી સ્પષ્ટતા : ગોખલે બ્રિજનું પુન: નિર્માણનું કાર્ય ચાલતું હોવાથી વાહનચાલકો માટે થશે મોટી સમસ્યા

ભારે વરસાદમાં અંધેરી સબવેમાં દર વર્ષે પાણી ભરાય છે

ચોમાસામાં આખા મુંબઈમાં પાણી નહીં ભરાય એવો દાવો કરનારી સુધરાઈએ શનિવારે ખુલાસો આપતાં કહ્યું હતું કે અંધેરી સબવેનો પાણી ભરાવાનો પ્રશ્ન હજી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. સુધરાઈએ ત્યાં મિની પમ્પિંગ સ્ટેશન ઊભું કર્યું છે, પરંતુ અંધેરીનો ગોખલે બ્રિજ પુન: નિર્માણ માટે બંધ કરવામાં આવતાં આ સબવે બહુ જ મહત્ત્વનો છે. સુધરાઈ સબવેની નજીક આવેલાં નાળાં અને ગટરોને પહોળાં કરીને એની ક્ષમતા વધારવા માગે છે, પરંતુ એ કામ પૂરું થતાં હજી બે વર્ષ લાગશે.

સુધરાઈના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ કહ્યું હતું કે ‘પમ્પિંગ સ્ટેશન સમસ્યાનો ઉકેલ નથી. વળી આવી વ્યવસ્થા પહેલા ચોમાસામાં વધુ સફળ થતી નથી. ચકાસણી બાદ બીજા વર્ષથી સરખી રીતે ઉપયોગમાં લઈ શકાય છે.’

સુધરાઈએ અગાઉ એવો દાવો કર્યો હતો કે ચોમાસામાં પાણી ભરાવાની શહેરની તમામ સમસ્યા એણે હલ કરી છે. જોકે ભારે વરસાદ વખતે દર વર્ષે આ સબવેમાં પાણી ભરાય છે. અગાઉ વાહનચાલકો પાસે ગોખલે બ્રિજનો વિકલ્પ હતો. એની ગેરહાજરીમાં આ સબવે મહત્ત્વનો બનશે. સુધરાઈએ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે અંધેરી (વેસ્ટ)માં વરસાદી પાણીના નિકાલ માટે ત્રણ કૉન્ટ્રૅક્ટરોને કામગીરી સોંપી છે, જેને પૂરી થતાં બેથી ત્રણ વર્ષ લાગશે.

સુધરાઈના અધિકારીએ કહ્યું હતું કે ‘ઈસ્ટ તરફનું તમામ પાણી નાળામાંથી જતું હોય છે, પરંતુ ભારે વરસાદ હોય ત્યારે નાળું વધારે પાણી લેતું નથી. પરિણામે સબમર્સિબલ પમ્પની મદદથી પાણીને ત્યાંથી ઉલેચીને અંધેરી (વેસ્ટ)ના એસ. વી. રોડ પર છોડવામાં આવશે. જોકે એ પણ મોગરા પમ્પિંગ સ્ટેશન કાર્યરત ન થાય ત્યાં સુધી પૂરતું નહીં હોય. જોકે કેસ ચાલતો હોવાથી આ કામ પણ અટક્યું છે. ટ્રાફિક પોલીસે મંજૂરી ન આપતાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનને પહોળી કરવાની કામગીરી સુધરાઈ કરી શકી નથી. સુધરાઈની યોજના એસ. વી. રોડથી વીરા ​દેસાઈ રોડ સુધી મોગરા નાળાને પહોળું કરવાની છે.’  

mumbai monsoon mumbai rains andheri brihanmumbai municipal corporation mumbai mumbai news prajakta kasale