મુંબઈમાં અમીછાંટણાં, જોકે ચોમાસું બેસવાને હજી થોડી વાર લાગશે

06 June, 2024 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માટુંગા, દાદર, વડાલા, ઘાટકોપર, ઓશિવરા, કાંદિવલી માગાઠાણે વિસ્તારમાં ગઈ કાલે સવારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં

તસવીર સૌજન્ય : મિડ-ડે ફોટોગ્રાફર્સ

મુંબઈગરા ભારે ગરમી અને હાલ તો આખો દિવસ વાદળિયું વાતાવરણ રહેવાથી બફારાથી હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે સવારે સાતથી આઠ વાગ્યા દરમ્યાન મુંબઈના કેટલાક ભાગમાં અમીછાંટણાં થયાં હતાં અને એનાથી એ વિસ્તારના લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે મુંબઈમાં ચોમાસું બેસવાને હજી થોડી વાર છે અને આ પ્રી-મૉન્સૂન ઝાપટાં પડી રહ્યાં છે. હવામાન વિભાગના કહેવા મુજબ મૉન્સૂન હજી ગોવા પહોંચ્યું છે. એકાદ-બે દિવસમાં એ મહારાષ્ટ્રમાં એન્ટ્રી લેશે અને ત્યાર બાદ આવનારા પાંચથી છ દિવસમાં મુંબઈ પહોંચશે. જોકે આજથી રવિવાર સુધી મુંબઈ સહિત થાણે, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ગાજવીજ અને પવન સાથે ઝાપટાં પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

માટુંગા, દાદર, વડાલા, ઘાટકોપર, ઓશિવરા, કાંદિવલી માગાઠાણે વિસ્તારમાં ગઈ કાલે સવારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગનાં ડૉ. સુષમા નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવાં પ્રી-મૉન્સૂન ઝાપટાં આવતા બે-ત્રણ દિવસ પડતાં રહેશે. હાલ મૉન્સૂન ગોવા પહોંચ્યું છે. આવનારા બે દિવસમાં મહારાષ્ટ્રમાં આવી પહોંચશે અને એ પછી મુંબઈ આવશે. હાલ કન્ડિશન ફેવરેબલ છે. કોસ્ટલ એરિયામાં ઑલરેડી પ્રી-મૉન્સૂન ઝાપટાં પડી જ રહ્યાં છે. જોકે સત્તાવાર રીતે મૉન્સૂન આવવામાં થોડીક જ વાર છે.’

મુંબઈમાં ક્યાં કેટલો વરસાદ?
દાદર - ૨૦ એમએમ
વડાલા - ૧૭ એમએમ
માટુંગા સેન્ટ્રલ - ૧૬ એમએમ
રાઉળી કૅમ્પ - ૧૪ એમએમ
બીકેસી - ૫ એમએમ
ઓશિવરા - ૨૬ એમએમ
કાંદિવલી-વેસ્ટ - ૯ એમએમ
કાંદિવલી-ઈસ્ટ - ૬ એમએમ 

mumbai monsoon monsoon news mumbai rains Weather Update mumbai weather mumbai mumbai news