26 April, 2023 10:10 AM IST | Mumbai | Bakulesh Trivedi
ફાઇલ તસવીર
મુંબઈમાં જે રીતે મેટ્રો ચાલુ થઈ રહી છે અને રોજેરોજ એના પૅસેન્જરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ જોતાં મેટ્રોની ઉપયોગિતા વિશે કોઈ શંકા નથી. જોકે મુંબઈને લાગીને આવેલા મીરા–ભાઈંદરમાં મેટ્રો-૯નું આયોજન કરાયું છે, પણ એના રહેવાસીઓએ મેટ્રો માટે હજી લાંબી રાહ જોવી પડે એવું અત્યારે લાગી રહ્યું છે. પહેલાં ભાઈંદરના રાઈ ગામમાં એનું કારશેડ બનાવવાનું હતું, પણ ગ્રામજનોએ એનો વિરોધ કરતાં હવે એને ચાર કિલોમીટર લંબાવીને ઉત્તનમાં બનાવવાનું વિચારાયું છે. જોકે ડીપી (ડેવલપમેન્ટ પ્લાન)માં આ બાબતે કોઈ જોગવાઈ ન હોવાથી એ પ્રોજેક્ટને બનતાં વાર લાગી શકે એમ છે અને એથી મીરા-ભાઈંદરવાસીઓને મેટ્રોની સફર કરવા રાહ જોવી પડે એમ છે.
મેટ્રો સહિત બીજાં પણ અનેક વિકાસકાર્યો મીરા-ભાઈંદરમાં થઈ રહ્યાં છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શનિવારે આયોજિત કરાયેલા એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે એમએમઆરડીએની હાલમાં જ થયેલી એક બેઠકમાં ૧૧.૩૮ કિલોમીટર લાંબી મેટ્રો-૯ (દહિસરથી ભાઈંદર-પશ્ચિમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન) સુધીની હતી એ હવે ઉત્તન સુધી લંબાવવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. મૂળ દહિસરથી ભાઈંદર સુધીની મેટ્રો-૯ માટેના જરૂરી ૮૦ થાંભલા ઊભા કરી દેવાયા છે અને એની ઉપરનું ૫૦ ટકા કામ થઈ ગયું છે અને બાકીનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જોકે બહુ જ મહત્ત્વના એવા એ મેટ્રો-૯ના કારશેડનું કામ હાલ ટલ્લે ચડી ગયું છે. પહેલાં રાઈ ગામમાં એ બનવાનું હતું, પણ ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કરતાં એ ઉત્તન લઈ જવામાં આવશે એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. વળી એ કારશેડ માટે વધુમાં વધુ જમીન સરકારી માલિકીની ઉપયોગમાં લેવાય એવી પણ રજૂઆત થઈ છે. જોકે બાકીની જમીન માટે તો સ્થાનિક લોકો પર જ આધાર રાખવો પડે એમ છે. બીજું, ડીપીમાં એ માટેની જોગવાઈ જ નહોતી કરાઈ. જોકે એમએમઆરડીએ તરફથી એમ કહેવાયું છે કે અમે ડીપી બદલના અભ્યાસનો અહેવાલ ઑલરેડી સરકારને મોકલી આપ્યો છે.
બીજી બાજુ, ભલે ડીપીમાં એનો સમાવેશ નથી કરાયો, પણ એ જગ્યાનાં મકાનોની મોજણીનું કામ ઑલરેડી ચાલુ કરી દેવાયું છે અને થાણે લૅન્ડ રેકૉર્ડ્સ કાર્યાલય અંતર્ગત મીરા ગાંવ તહસીલદાર કાર્યાલયે સરકારી જમીનને લાગીને આવેલાં ઘરોને આ પહેલાં જ મોજણી કરવા માટેની નોટિસ મોકલી આપી હતી અને એ પ્રમાણે એમની મોજણી પણ કરી લેવાઈ છે. હવે જ્યારે આ બધી પળોજણ બાદ કારશેડ તૈયાર થાય એ પછી જ મેટ્રો ચાલુ થઈ શકે એમ છે એ પણ કડવી હકીકત છે.