01 March, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો આરેથી બાંદરા-કુર્લા કૉમ્પલેક્સ (BKC) વચ્ચે શરૂ થયા બાદ હવે આવતા મહિનાથી આ જ મેટ્રો-૩નો વરલી સુધીનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. ત્યાર બાદ જૂન મહિનાથી ત્રીજા અને છેલ્લા તબક્કાની કફ પરેડ સુધી શરૂઆત થશે. આની સાથે દક્ષિણ મુંબઈમાં પહેલી મેટ્રો દોડતી થશે.
બીજા તબક્કામાં આ મેટ્રો BKCથી ધારાવી, શીતળાદેવી મંદિર, દાદર, સિદ્ધિવિનાયક, વરલી થઈને આચાર્ય અત્રે ચોક સુધી જશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં મહાલક્ષ્મી, ગ્રાન્ટ રોડ, ગિરગામ, કાલબાદેવી, મેટ્રો, ચર્ચગેટ, વિધાનભવન થઈને કફ પરેડ સુધી જશે. આચાર્ય અત્રે ચોકથી કફ પરેડની વચ્ચે કુલ ૧૧ સ્ટેશન હશે.
અત્યારે આરેથી BKC સુધીની આ મેટ્રોને જોઈએ એવો પ્રતિસાદ નથી મળી રહ્યો, પણ સત્તાવાળાઓનું માનવું છે કે બીજા અને ત્રીજા તબક્કાની શરૂઆત બાદ આનો લાભ મોટી સંખ્યામાં મુંબઈગરાઓ લેશે. આ મેટ્રોનું ભાડું ૧૦ રૂપિયાથી લઈને ૬૦ રૂપિયા સુધી રાખવામાં આવ્યું છે. મુંબઈ મેટ્રો રેલવે કૉર્પોરેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મેટ્રો-૩નો સેકન્ડ ફેઝ શરૂ
થવાને લીધે મુંબઈગરાને ઘણી રાહત મળશે. અત્યારે વરલીથી ટર્મિનલ-૧ સુધી જવા માટે કૅબના ૬૦૦ રૂપિયા જાય છે, પણ મેટ્રોમાં આ જ અંતરના ૫૦ રૂપિયા જ થશે અને અડધો સમય પણ બચી જશે. આ સિવાય દાદર, સિદ્ધિવિનાયક જનારા માટે પણ સુવિધા થઈ જશે.’