midday

ઘાટકોપરમાં મોબાઇલ શૉપમાં આગ : દુકાન બળીને ખાખ

30 March, 2019 11:01 AM IST  |  મુંબઈ

ઘાટકોપરમાં મોબાઇલ શૉપમાં આગ : દુકાન બળીને ખાખ
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર (વેસ્ટ)માં રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એકની સામે જ આવેલા પૂરબાઈવાડી બિલ્ડિંગ-નંબર 2૯૧માં ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળતાં આઠ વર્ષ જૂની એક મોબાઇલ શૉપ બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવને કારણે સ્ટેશન રોડ પર જબરદસ્ત ધમાચકડી મચી ગઈ હતી. જોકે આગ બુજાવનાર કરતાં આગનો વિડિયો અને ફોટો લેનારાઓની ગિરદીથી રોડ જૅમ થઈ ગયો હતો. LBS માર્ગના ટ્રાફિક-જૅમને લીધે ફાયર-બ્રિગેડને વિક્રોલીથી ઘાટકોપર રેલવે-સ્ટેશન પહોંચતાં પોણો કલાક લાગ્યો હતો, જેને પરિણામે ઘાટકોપરમાં ફાયર-સ્ટેશનની માગણી ફરીથી જોરમાં શરૂ થઈ હતી.

ટૉપ ટેન મોબાઇલ શૉપના માલિક અમર શાહે આગની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બપોરે અઢી વાગ્યાની આસપાસ અચાનક દુકાનના પાછળના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. એટલે મેં તરત જ દોડીને મેઇન સ્વિચો બંધ કરી દીધી હતી. જોકે શૉર્ટ-સર્કિટને કારણે આગ વિકરાળ બની હતી અને આખી દુકાન આગમાં લપેટાઈ ગઈ હતી. અડધો-પોણો કલાકમાં તો મોબાઇલ સાથે આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી.’

લોકોને આગ બુજાવવામાં મદદ કરવા કરતાં આગનો વિડિયો અને ફોટો લેવામાં વધુ રસ હતો એમ જણાવીને મોબાઇલ શૉપની બાજુમાં આવેલી ફાસ્ટ ફૂડની દુકાનના માલિક શરદ ભાવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ ધુમાડાથી શરૂ થઈ હતી. ધીરે-ધીરે આગની જ્વાળાઓ ફેલાવા લાગી હતી. થોડી વારમાં ધમાકા સાથે દુકાનના કાચના દરવાજા તૂટી ગયા હતા. પહેલાં લાઇટો બંધ કરીને અમે ફટાફટ દુકાનમાં રહેલા માણસોને બહાર કાઢયા હતા. જોકે ફાયર-બ્રિગેડને ફોન કર્યા પછી LBS માર્ગના ટ્રાફિકને લીધે

ફાયર-બ્રિગેડને આવતાં અડધો કલાકથી વધુ સમય લાગ્યો હતો. આટલા સમયમાં કોઈ બચાવકાર્યમાં આવ્યું નહોતું. એને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક સમયે તો આગ મેટ્રો રેલ અને લોકલ ટ્રેનના પ્લૅટફૉર્મ સુધી પહોંચે એવી હાલત હતી. જોકે ત્યાં સુધીમાં ફાયર-બ્રિગેડ આવી જતાં આગ નિયંત્રણમાં આવી ગઈ હતી. ત્યાં સુધીમાં મોબાઇલની શૉપ આખી બળી ગઈ હતી. એની બાજુની દુકાનને પણ નુકસાન થયું છે. આગને કારણે ઘાટકોપર ગેસ્ટહાઉસ અને અમારી બધી જ દુકાનોની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી.’

આ પણ વાંચો : ઈશાન મુંબઈમાંથી ટિકિટ તો ગુજરાતીને જ મળશે: પ્રકાશ મહેતા

ભારતીય જનતા પાર્ટીના પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી ઘાટકોપરમાં ફાયર-સ્ટેશનની ડિમાન્ડ છે. LBS માર્ગ પર જ્યારથી મેટ્રો રેલનું કામ શરૂ થયું છે ત્યારથી ટ્રાફિક-જૅમની સમસ્યા વકરી છે.’

ghatkopar mumbai news