midday

જ્વેલરી શૉપના પાઉચે પત્નીના હત્યારા પતિને પકડાવી દીધો

16 March, 2025 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરારમાં મળેલી સૂટકેસમાં મહિલાના કપાયેલા માથા સાથે આ પાઉચ પણ હતું :  કૌટુંબિક ઝઘડાથી કંટાળીને પત્નીનું માથું કાપીને હત્યા કરી હતી
હત્યા કરવામાં આવેલી પત્ની ઉત્પલા સાથે આરોપી પતિ હરીશ હિપ્પરગી.

હત્યા કરવામાં આવેલી પત્ની ઉત્પલા સાથે આરોપી પતિ હરીશ હિપ્પરગી.

વિરારમાં મળેલી સૂટકેસમાં મહિલાના કપાયેલા માથા સાથે આ પાઉચ પણ હતું :  કૌટુંબિક ઝઘડાથી કંટાળીને પત્નીનું માથું કાપીને હત્યા કરી હતી : મૂળ પશ્ચિમ બંગાળના પતિએ રાત્રે પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ માથું કાપી નાખ્યું હતું અને મૃતદેહનાં અંગ બે સૂટકેસમાં ભર્યા બાદ જંગલમાં ફેંકી દીધાં હતાં : પોલીસે પતિની ધરપકડ કરીને ૨૪ કલાકમાં કેસ ઉકેલ્યો

ગુરુવારે હોળીની મોડી સાંજે વિરાર-ઈસ્ટમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેને અડીને આવેલા વિરાર ફાટા પાસેના જંગલમાંથી એક સૂટકેસમાંથી મહિલાનું કપાયેલું માથું મળી આવ્યું હતું. વિરારના માંડવી પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહિલાની હત્યા તેના પતિએ જ કરીને મૃતદેહની ઓળખ ન થઈ શકે એ માટે માથું અને શરીરનાં બીજાં અંગ જુદાં-જુદાં સ્થળે ફેંક્યાં હોવાનું જણાઈ આવતાં મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી પતિની ધરપકડ કરી હતી. કેટલાક મહિનાથી કૌટુંબિક વિવાદથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે.

સૂટકેસમાંથી મહિલાના માથા સાથે એક જ્વેલરી શૉપનું પાઉચ મળ્યું હતું. આથી મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૩ની ટીમે જ્વેલરી શૉપમાંથી મહિલાની માહિતી મેળવતાં જણાયું હતું કે માથું કાપી નાખવામાં આવ્યું હતું એ મહિલા ઉત્પલા હરીશ હિપ્પરગી હોવાનું અને તે નાલાસોપારા-ઈસ્ટમાં રહમતનગરના રોનક અપાર્ટમેન્ટમાં પતિ હરીશ સાથે રહેતી હોવાનું જણાયું હતું. જોકે અઢી મહિનાથી આ મહિલા અને તેનો પતિ ગાયબ હતાં. આ યુગલ મૂળ પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લાના નૈહાટી ગામના વતની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે તેમના સંબંધીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ પતિ-પત્ની સાથે બે-અઢી મહિનાથી વાતચીત ન થઈ હોવાનું કહ્યું હતું. પોલીસે ૫૧ વર્ષની મહિલા ઉત્પલા હિપ્પરગીના પતિ હરીશની નાલાસોપારા-ઈસ્ટમાંથી ધરપકડ કરીને પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાના ઘરમાં કૌટુંબિક વિવાદથી કંટાળીને પત્ની ઉત્પલાની આ વર્ષની ૮ જાન્યુઆરીએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે સમજાવ્યો પતિનો પ્લાન
ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૩ના ઇન્ચાર્જ શાહુરાજ રણવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પત્નીના મૃતદેહને સગેવગે કરવા માટે આરોપી હરીશે પ્લાન બનાવ્યો હતો. તેણે થોડા દિવસ પત્નીનો મૃતદેહ ઘરમાં મૂકી રાખ્યો હતો. બજારમાંથી એક ટ્રાવેલ-બૅગ ખરીદી હતી જેમાં પત્નીના મૃતદેહને મૂક્યો હતો. એ પછી નાલાસોપારાથી વિરાર ફાટા સુધી મૃતદેહ સાથેની સૂટકેસ સ્કૂટર પર લઈ ગયો હતો. વિરાર ફાટા પાસેના જંગલમાં જઈને પત્નીના મૃતદેહનું માથું ધડથી અલગ કરીને એક થેલીમાં ભરીને સૂટકેસમાં મૂકી દીધું હતું. મૃતદેહનાં બાકીનાં અંગ એક કોથળામાં ભરીને થોડે દૂર જઈને એક નાળામાં ફેંકી દીધાં હતાં. આરોપી પોલીસથી બચવા માટે ગમે એવો પ્લાન કરે, પણ તે કોઈક કડી તો છોડી જાય છે. કપાયેલા માથા સાથેની સૂટકેસ જંગલમાં બહુ અંદર નહોતી એટલે ગુરુવારે લોકો હોળી માટે લાકડાં લેવા જંગલમાં ગયા હતા ત્યારે તેમની નજરે સૂટકેસ આવી ગઈ હતી. બીજું, સૂટકેસમાં જ્વેલરી શૉપનું પાકિટ રહી ગયું હતું જેને આધારે આ કેસ ઉકેલાયો છે. અમે પત્નીની હત્યા કરવાના આરોપસર ૪૯ વર્ષના હરીશ હિપ્પરગીની ધરપકડ કરી છે. આરોપી ઇમિટેશન જ્વેલરી બનાવવાનું કામકાજ કરતો હતો.’

virar murder case holi festivals dhuleti news mumbai police crime news mumbai crime news mumbai mumbai news