કોરોના ઇન્ફેક્શનના કેસ વધતા હોવા છતાં લૉકડાઉનની શક્યતા નથી : ઇકબાલ ચહલ

10 March, 2021 07:16 AM IST  |  Mumbai | Agency

કોરોના ઇન્ફેક્શનના કેસ વધતા હોવા છતાં લૉકડાઉનની શક્યતા નથી : ઇકબાલ ચહલ

ઇકબાલ ચહલ

મુંબઈમાં કોરોનાના ઇન્ફેક્શનના કેસમાં વૃદ્ધિ થઈ હોવા છતાં લૉકડાઉન જાહેર કરવાની જરૂરિયાત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે નકારી હતી. જોકે મુંબઈ શહેરના પાલક પ્રધાન અસલમ શેખે દરદીઓની સંખ્યા વધતી જ રહેશે તો નાઇટ કરફ્યુ કે પાર્શિયલ લૉકડાઉન લાદવાની શક્યતા દર્શાવી હતી. અસલમ શેખે જણાવ્યું હતું કે પરિસ્થિતિ અનુસાર લૉકડાઉન વિશે નિર્ણય લેવાની સત્તા સ્થાનિક સત્તાતંત્રોને સોંપવામાં આવી છે.

ગઈ કાલે કોવિડ-૧૯ના ૧૦૦૮ નવા કેસ ઉમેરાતાં કોરોનાના દરદીઓનો કુલ આંકડો ૩,૩૪,૫૭૨ પર પહોંચ્યો હતો. મુંબઈમાં કરવામાં આવતી ટેસ્ટનો ૬ ટકા પૉઝિટિવિટી રેટ અન્ય શહેરોની સરખામણીમાં ઓછો હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ કોરોનાગ્રસ્તોના આંકડામાં વૃદ્ધિ માટે રોજ ટેસ્ટિંગના પ્રમાણમાં વધારો કારણભૂત હોવાનું જણાવ્યું હતું. પાલિકાના આંકડા મુજબ જાન્યુઆરી મહિનામાં ૧૧,૦૦૦થી ૧૫,૦૦૦ નાગરિકોની ટેસ્ટ કરવામાં આવી હતી. એ પ્રમાણ સતત વધારતાં હાલમાં રોજની ૨૦,૦૦૦ જેટલી ટેસ્ટ કરવામાં આવે છે. ગયા સોમવારે ૨૩,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી હતી.

મુંબઈ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ પ્રોટોકૉલનું પાલન ન કરતા નાગરિકો સામે કડક પગલાં લેવાની પાલિકાના તંત્રની તૈયારી છે. મુંબઈની હૉસ્પિટલોમાં કોરોનાના ઇન્ફેક્શનના દરદીઓ માટે ૬૦ ટકા બેડ ઉપલબ્ધ છે. પાલિકાના ત્રીજા સીરો સર્વેમાં ૧૨,૦૦૦ સૅમ્પલ ભેગાં કરવામાં આવ્યાં હતાં. મહાનગરપાલિકાની ૨૪ હૉસ્પિટલો, રાજ્ય સરકારની ૪ હૉસ્પિટલો અને ૩૮ પ્રાઇવેટ હૉસ્પિટલો સહિત ૬૬ સેન્ટર્સ ખાતે વૅક્સિનેશન ડ્રાઇવ ચાલે છે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19 lockdow