27 November, 2024 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
AC લોકલ ટ્રેન
વેસ્ટર્ન રેલવેમાં લોકલ લાઇનમાં આજથી ૧૩ નવી ઍર-કન્ડિશન્ડ (AC) સર્વિસ સામેલ કરવામાં આવશે. આ સાથે જ AC સર્વિસની સંખ્યા ૧૦૯ થશે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનિત અભિષેકે કહ્યું હતું કે ‘AC લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ગિરદી વધી રહી છે એને ધ્યાનમાં રાખીને AC સર્વિસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ચાલી રહેલી નૉન-AC લોકલ ટ્રેનને ACમાં કન્વર્ટ કરવામાં આવી છે. નવી AC લોકલ ટ્રેન ચર્ચગેટથી વિરાર તરફ ૭ અને વિરારથી ચર્ચગેટ તરફ ૬ AC લોકલ ટ્રેન વધારવામાં આવી છે.’
વિરાર-ચર્ચગેટ અને ભાઈંદર-ચર્ચગેટ વચ્ચે બે-બે, વિરાર-બાંદરા અને ભાઈંદર-અંધેરી વચ્ચે ૧-૧ AC લોકલ ચલાવવામાં આવશે. આવી જ રીતે ચર્ચગેટથી વિરાર વચ્ચે બે, ચર્ચગેટ-ભાઈંદર, અંધેરી-વિરાર, બાંદરા-ભાઈંદર, મહાલક્ષ્મી-બોરીવલી અને બોરીવલી-ભાઈંદર વચ્ચે ૧-૧ AC લોકલ ચલાવવામાં આવશે.