સેન્ટ્રલ અને વેસ્ટર્નમાં ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી

08 December, 2022 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેમાં સવારના પીક-અવર્સમાં ૭.૧૦ વાગ્યે આંબિવલી અને ટિટવાલા વચ્ચે સિગ્નલ બગડી ગયું હતું

ટ્રેન લેટ થતાં પ્રવાસીઓ ટ્રૅક પર ચાલીને વસઈ સ્ટેશન પર પહોંચ્યા હતા. મહિલાઓને ઊતરવામાં પુરુષોએ મદદ કરી હતી. ઉમેશ પટેલ

મુંબઈ : મુંબઈની લાઇફ-લાઇન ગણાતી લોકલ ટ્રેનના પ્રવાસીઓએ ગઈ કાલે હાડમારી ભોગવવી પડી હતી. સેન્ટ્રલમાં સિગ્નલ ફેલ્યરને કારણે અને વેસ્ટર્નમાં પ્રવાસીનો અકસ્માત થતાં ટ્રેનો ૧૦થી ૧૫ મનિટિ મોડી દોડી રહી હતી.

સેન્ટ્રલ રેલવેમાં સવારના પીક-અવર્સમાં ૭.૧૦ વાગ્યે આંબિવલી અને ટિટવાલા વચ્ચે સિગ્નલ બગડી ગયું હતું એટલે ટ્રેનો અટકી પડી હતી. રેલવેના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને આ બાબતની જાણ કરતાં તેઓ તરત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ખામી સુધારી લીધી હતી. ૭.૨૫ વાગ્યે ફરી​ એ ટ્રૅક પરથી ટ્રેનો આગળ છોડવામાં આવી હતી. જોકે એને કારણે પાછળની ટ્રેનો પણ લેટ પડી હતી અને સેન્ટ્રલનાં આગળનાં સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ થઈ ગઈ હતી.

વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે વસઈ પાસે બે અકસ્માત થયા હતા. એક સવારના સમયે અને બીજો બપોરના ૨.૨૦ વાગ્યાની આસપાસ. એમાં બે વ્યક્તિ ટ્રૅક પર પડી ગઈ હતી. બપોરે થયેલા ઍક્સિડન્ટ વખતે બૉડી હટાવવા માટે ૨૦ મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. એથી એકની પાછળ એક ટ્રેનો ઊભી રહી ગઈ હતી. જોકે બૉડી હટાવ્યા બાદ ટ્રેનો ફરી ચાલુ થઈ હતી. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકોને એ વિશે જાણ ન કરાઈ હોવાથી તેઓ ટ્રેનમાંથી ઊતરીને સ્ટેશન પર પહોંચ્યા હતા. 

mumbai mumbai news mumbai local train