26 August, 2024 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી લાતુર એક્સપ્રેસને સોમવારે સવારે થાણે જિલ્લાના કલવા સ્ટેશન નજીક તેના એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુખ્ય લાઇન પર મુંબઈ જતી લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓને અસર થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અઠવાડિયાના પ્રથમ દિવસે સવારના ધસારાના સમયે, CSMT તરફની લોકલ ટ્રેન (Mumbai Local Train) સેવાઓ ઓછામાં ઓછી 15થી 20 મિનિટ મોડી પડી હતી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, લાતુર એક્સપ્રેસ સવારે 8.30 વાગ્યે તેના એન્જિનમાં `બ્રેક પ્રેશર`ની સમસ્યાને કારણે લગભગ 20 મિનિટ માટે કલવા સ્ટેશન પર રોકાઈ હતી, ત્યારબાદ તેને થાણે સ્ટેશન લઈ જવામાં આવી હતી.
નાગપુર-સીએસએમટી દુરંતો એક્સપ્રેસ, જે લાતુર એક્સપ્રેસની પાછળ ચાલી રહી હતી, તેને લગભગ 20 મિનિટ સુધી રોકી દેવામાં આવી હતી. કેટલાક કાર્યકરોએ મધ્ય રેલવે (Mumbai Local Train)ના ઓપરેશનલ નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા છે.
કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે પાંચમા અને છઠ્ઠા ટ્રેકની ઉપલબ્ધતા હોવા છતાં કલવા સ્ટેશન થઈને ફાસ્ટ કોરિડોર પર સીએસએમટી-બાઉન્ડ મેઈલ અથવા એક્સપ્રેસ ટ્રેનો ચલાવવા માટે તેમણે ખાસ કરીને મધ્ય રેલવેની ટીકા કરી હતી. તેમણે દલીલ કરી હતી કે વધારાના ટ્રેકનો ઉપયોગ ભીડને હળવો કરવામાં અને લાંબા અંતરની ટ્રેનો માટે વિલંબ ઘટાડવામાં મદદ કરી શક્યો હોત.
નોંધનીય છે કે 20 ઑગસ્ટે થાણે જિલ્લાના બદલાપુર રેલવે સ્ટેશન પર વિરોધને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે મુખ્ય લાઇનના અંબરનાથ-કર્જત સેક્શન પર લોકલ ટ્રેન સેવાઓ 10 કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. દેશના સૌથી વ્યસ્ત રેલવે ઝોનમાંનું એક, મધ્ય રેલવે તેના ચાર મુખ્ય કોરિડોર - મેઈન, હાર્બર, ટ્રાન્સ-હાર્બર અને બેલાપુર-ઉરણ પર દરરોજ 1800થી વધુ ઉપનગરીય સેવાઓનું સંચાલન કરે છે. આ સેવાઓ દરરોજ આશરે 40 લાખ મુસાફરોને વહન કરે છે અને તેથી તેમની સમયસર અને કાર્યક્ષમ કામગીરી લાખો લોકોના રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ બની જાય છે.
મુંબઈની લોકલ ટ્રેનોમાં પણ મહિલાઓ સલામત નથી
મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનોમાં પણ મહિલાઓ સલામત ન હોવાનું જણાઈ આવ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં બાવન મહિલાઓના વિનયભંગના મામલા પોલીસમાં નોંધાયા છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના આંકડા મુજબ સાત મહિનામાં સેન્ટ્રલ રેલવેમાં મહિલાના વિનયભંગના ૨૭ કેસ નોંધાયા હતા, જ્યારે વેસ્ટર્ન રેલવેમાં આવા પચીસ મામલા સામે આવ્યા હતા. આથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારી મહિલાઓની સલામતીનો સવાલ ઊભો થયો છે. ગયા બુધવારે કાંદિવલીમાં રહેતી ૨૬ વર્ષની મહિલા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ત્યારે તે બારી પાસે બેઠી હતી. ટ્રેન મલાડ સ્ટેશને રોકાઈ ત્યારે અચાનક એક પુરુષ મહિલા બેઠી હતી એ બારી પાસે આવ્યો હતો અને તેને પૂછ્યું કે ‘તું મારી સાથે શારીરિક સંબંધ બાંધશે?’ આ સાંભળીને મહિલા ચોંકી ઊઠી હતી. ચર્ચગેટ પહોંચીને મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે તપાસ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.