22 September, 2024 09:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હુમલામાં ટીસીને ઈજા થઈ હતી (તસવીર: મિડ-ડે)
મુંબઈ ડિવિઝનના પશ્ચિમ રેલવેના નાલાસોપારા સ્ટેશન (Mumbai Local Train news) પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટિકિટ કલેક્ટર (TC) પર એક મુસાફર દ્વારા હોકી સ્ટિક વડે હુમલો કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિવાદ ત્યારે શરૂ થઈ જ્યારે 29 વર્ષના ટીસી વિજય કુમારે એક પેસેન્જરને માન્ય ટિકિટ વિના ફર્સ્ટ-ક્લાસ કોચમાં મુસાફરી કરતા જોયો. ટીસીએ પેસેન્જરને 345 રૂપિયાનો દંડ ભરવાનું કહ્યું, પરંતુ પેસેન્જર વિદ્યાર્થી છે અને તેની પાસે પૈસા ઓછા હોવાની જાણ થતાં ટીસીએ તેની પાસેથી માત્ર 150 રૂપિયા વસૂલ્યા.
આ દંડ ભરવાનું કહીને ટીસીએ તેની ફરજો ફરી શરૂ કરી, પરંતુ થોડા સમય પછી, આરોપી (Mumbai Local Train news) હોકી સ્ટિક સાથે પાછો ફર્યો અને તેના પર હુમલો કર્યો, જેનાથી ટીસીને માથા અને કાન પર ગંભીર ઇજાઓ થઈ હતી. ટીસીની ફરિયાદ બાદ, સરકારી રેલવે પોલીસ (જીઆરપી) એ આઈપીસીની કલમ 121(2) અને 132 હેઠળ અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ FIR દાખલ કરી છે. GRP હુમલાખોરને સક્રિય રીતે શોધી રહી છે.
આ સાથે અન્ય એક સમાચારમાં, શુક્રવારે મુંબઈમાં બાન્દ્રા-વરલી સી લિંક (Mumbai Local Train news) પરથી કૂદીને આત્મહત્યા કરીને એક વ્યક્તિનું કથિત રીતે મૃત્યુ થયું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. શુક્રવારે સવારે એક વાગ્યે પોલીસને એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચ્યા પછી, તેઓએ જોયું કે એક વ્યક્તિએ તેની કાર પાર્ક કરી, કારમાંથી બહાર નીકળી અને સમુદ્રમાં કૂદી ગયો. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, અંધકાર અને દરિયાના ઊંચા મોજાને કારણે રાત્રે મૃતદેહ મળી શક્યો નથી.
વરલી પોલીસ સ્ટેશનને શુક્રવારે સવારે 7:30 વાગ્યે માહિતી મળી હતી કે દાદર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં કૂદનાર વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને આગળની કાર્યવાહી માટે નાયર હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એસી લોકલ ટ્રેનમાં (Mumbai Local Train news) બે પ્રવાસીએ ટિકિટ ચેક કરી રહેલા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)ની મારપીટ કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ ચર્ચગેટથી વિરાર તરફ જઈ રહેલી AC લોકલ ટ્રેન બોરીવલી પહોંચી ત્યારે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અનિકેત ભોસલે અને તેના એક મિત્રે TTE જસબીર સિંહ સાથે ટિકિટ ચેક કરવા બાબતે પહેલાં ઝઘડો કર્યો હતો અને બાદમાં તેને ફાઇટ મારીને શર્ટ ફાડી નાખ્યું હતું. આથી TTEએ મારપીટ કરનારા પ્રવાસીઓને ૧૫૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઘટના બાદ નાલાસોપારા રેલવે-સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ મારપીટ કરનારા અનિકેત ભોસલે અને તેના મિત્રને ટ્રેનમાંથી ઉતાર્યા હતા અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે અનિકેત ભોસલેએ માફીનામું લખીને આપ્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તેના મિત્રને પણ ચેતવણી આપીને જવા દેવામાં આવ્યો હતો.