14 November, 2023 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ લોકલ ટ્રેનની ફાઇલ તસવીર
મુંબઈમાં લોકલ (Mumbai Local) ટ્રેન એ લાઈફ લાઇન કહેવાતી હોય છે. લોકલ ટ્રેનની સર્વિસને લઈને આવતા અપડેટ મુંબઈગરાઓ માટે મહત્વના હોય છે. હવે પશ્ચિમ રેલવે તરફથી મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. પશ્ચિમ રેલવે (WR) એ અંધેરી-ચર્ચગેટ વચ્ચેની ધીમી લાઇન પર મુંબઈ લોકલ ટ્રેનોની સંખ્યામાં 15 કોચનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ માટે પશ્ચિમ રેલવે સત્તાવાળાઓએ રૂટ પર 15 કોચની ટ્રેન (Mumbai Local) દોડાવવાની સંભાવનાનું મૂલ્યાંકન કરવા અભ્યાસ શરૂ કર્યો છે. હાલ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. હાલમાં આ રૂટ પર 12 કોચવાળી ટ્રેનો દોડી રહી છે. જો કે, ત્રણ વધારાના કોચ પીક અવર્સ દરમિયાન 1200-1500 મુસાફરોને સમાવી શકશે, જે એકંદરે ઓક્યુપન્સી રેટમાં 25 ટકાનો વધારો કરશે. જેને કારણે ભીડ નિયંત્રણમાં મોટો ભાગ ભજવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંધેરી-ચર્ચગેટ સ્લો લાઇન પર તબક્કાવાર રીતે 15-કાર રેક રજૂ કરવામાં આવી શકે છે. પરિવહન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અભ્યાસમાં હાલની અને સૂચિત મેટ્રો લાઈનો તેમજ શહેરની મુસાફરીની પેટર્નમાં ફેરફારને પણ ધ્યાનમાં લેવો જોઈએ.
નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે દાદર એ મધ્ય અને પશ્ચિમ બંને લાઇનને જોડતો જૂનો અને મહત્વપૂર્ણ નોડ છે, ત્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એક મુખ્ય વ્યાપારી અને વ્યવસાયિક હબ તરીકે ઉભરી આવ્યું છે, આ એવા સ્થળો છે કે જ્યાં પીક અવર્સમાં વધુ ભીડ હોય છે. માટે જ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને ક્ષમતા વધારાનું આયોજન કરવામાં આવે એ જરૂરી છે.
અહેવાલો અનુસાર જૂન 2021માં અંધેરી-વિરાર સ્લો લાઇન પર 15 કાર રેક રજૂ કરવામાં આવી હતી અને આ વર્ષે ઓગસ્ટમાં 15-કાર ટ્રેનોની 49 દૈનિક સેવાઓ (Mumbai Local) ઉમેરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022માં આ જ ક્ષમતા વધારીને 27 સેવાઓ કરવામાં આવી હતી, જ્યારે માર્ચ 2022માં, છ સેવાઓને 12થી 15 કારમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
આ સાથે જ પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણય ચર્ચગેટ-વિરાર રૂટ પર ધીમી લાઇનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યાના દિવસો બાદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ચર્ચગેટ-વિરાર રૂટ પર હાલમાં 14 રેક છે. જેમાં દરેક 15 કારનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ હાલમાં 199 દૈનિક સેવાઓ (Mumbai Local) ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
પશ્ચિમ રેલવે (Western Railway) અધિકારીઓ આ જ કારણોસર જરૂરી કામની માત્રા કેટલી હશે એ સંદર્ભે તપાસ કરી રહ્યા છે. આ તપાસમાં પ્લેટફોર્મને પહોળું કરવું, સિગ્નલિંગ અને સંબંધિત સિસ્ટમોને સ્થાનાંતરિત કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. એકવાર આ બધી જ ક્રિયાઓ થઈ જશે પછી રેલવે યોજના સાથે આગળ વધી શકશે એમ જણાઈ રહ્યું છે.