Mumbai Local: આખરે પ્રવાસીની સમસ્યાનો અંત, આ દિવસથી બદલાશે દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર

24 November, 2023 08:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દાદર સ્ટેશન (Dadar Station) પર મધ્ય અને પશ્ચિમ રેલવે (Mumbai Local)ના પ્લેટફોર્મ નંબરને લઈને મુસાફરોની મૂંઝવણને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પ્લેટફોર્મ નંબર એક જ ક્રમમાં આપવાનો નિર્ણય કર્યો છે

દાદર સ્ટેશનની ફાઇલ તસવીર

દાદર સ્ટેશન (Dadar Station) પર મધ્ય (Central Railway) અને પશ્ચિમ રેલવે (Western Railway)ના પ્લેટફોર્મ નંબરને લઈને મુસાફરોની મૂંઝવણને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પ્લેટફોર્મ નંબર એક જ ક્રમમાં આપવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર, હવે ટૂંક સમયમાં દાદર સ્ટેશન (Mumbai Local) પર પ્લેટફોર્મ નંબર બદલવામાં આવશે.

રેલવેના ટ્વીટ મુજબ પશ્ચિમ રેલવે (Mumbai Local) પર પ્લેટફોર્મ નંબર એક જ રહેશે અને મધ્ય રેલવેના પહેલા પ્લેટફોર્મને હવે આઠ નંબર મળશે. પશ્ચિમ રેલવેથી મધ્ય રેલવેના છેલ્લા પ્લેટફોર્મ એટલે કે દાદર ટર્મિનસ પ્લેટફોર્મ સુધી એક જ ક્રમમા નંબર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે પર પ્લેટફોર્મની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે, મધ્ય રેલવે પર પ્લેટફોર્મ નંબર બદલવામાં આવશે.

દાદર સ્ટેશન પર પશ્ચિમ રેલવેના પ્લેટ્ફોર્મને 1થી 7 અને મધ્ય રેલવેના પ્લેટફોર્મને 8થી 15 નંબર આપવામાં આવશે.

મધ્ય રેલવેની ધીમી લાઇન પરનું પહેલું પ્લેટફોર્મ હવે આઠ નંબરનું હશે. આ ક્રમને અનુસરીને, આગામી પ્લેટફોર્મને નંબરો આપવામાં આવશે. દાદર ટર્મિનસના પ્લેટફોર્મ નંબરો પણ આ જ ક્રમમાં હશે. આ મધ્ય રેલવે પર પ્લેટફોર્મ નંબર 8 રજૂ કરશે અને ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 15 હશે. સેન્ટ્રલ રેલવે નૉટિફિકેશન સિસ્ટમમાં પ્લેટફોર્મ નંબરની સાથે જાહેરાત સિસ્ટમમાં પણ તે મુજબ ફેરફાર કરવામાં આવશે. પદયાત્રી પુલ અને સાઈનપોસ્ટને પણ નવા નંબર આપવામાં આવશે.

દાદરના રેલવે સ્ટેશનની ભયંકર ભુલભુલામણીમાં મારગ ચીંધે છે રેલવે-દૂત

મુંબઈનું દાદર રેલવે સ્ટેશન ભરચક અને ખૂબ જ ભીડવાળું સ્ટેશન છે. અહીં અસંખ્ય મુસાફરો આવ-જા કરતા હોય છે. બહારગામની ટ્રેનોના મુસાફરો પણ અહીંથી ટ્રેન પકડતા હોય છે અથવા બહારગામથી અહીં ઊતરતા હોય છે. દાદર સ્ટેશન પર ભીડ અને દોડભાગ એટલી બધી હોય છે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય. એમાં પણ અજાણ્યા લોકો તો ચોક્કસ ભૂલા પડી જાય. આ જ કારણથી દાદર સ્ટેશન પર અનેક મુસાફરો અહીંતહીં ભટકતા હોય છે. તેમને ખબર નથી હોતી કે કયા માર્ગે જવું અને કેવી રીતે પોતાના નિર્ધારિત સ્થાને પહોંચવું.

આ પ્રકારની મુશ્કેલી અનુભવતા મુસાફરોની મદદ માટે એક સેવાભાવી મુંબઈગરા રેલવે દૂતની કામગીરી કરી રહ્યા છે. વરલી વિલેજમાં રહેતા અને મુલુંડમાં નોકરી કરતા નરેન્દ્ર પાટીલ એક અલગ જ પ્રકારના માણસ છે. તેઓ મુલુંડમાં નોકરી પર જતાં પહેલાં બે કલાક સુધી દાદર પર ઊભા રહે છે અને મુશ્કેલી અનુભવતા મુસાફરોને માર્ગદર્શન આપે છે.

નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે ‘દાદર સ્ટેશન પર અસંખ્ય લોકોની ભીડ અને દોડભાગ હોય છે, પરંતુ સ્ટેશન પર પૂરતાં ઇન્ડિકેટરો ગોઠવવામાં આવ્યાં નથી એટલે મુસાફરોને પોતાના નિર્ધારિત સ્થાને જવામાં તકલીફ પડતી હોય છે. તેમને માર્ગદર્શન આપવાવાળું કોઈ નથી હોતું. આથી બે વર્ષ પહેલાં મેં આ કામગીરી શરૂ કરી હતી.’

mumbai local train dadar western railway central railway mumbai mumbai news