Mumbai Local: સેન્ટ્રલ રેલવેના મુંબઈ સેક્શન બાદ હવે પોસ્ટ ઑફિસના કર્મચારીઓના સમયમાં પણ બદલાવ

02 December, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈની લોકલ ટ્રેનો (Mumbai Local)માં કામકાજના સમય દરમિયાન ઘણી ભીડ હોય છે, જેના કારણે ઘણી વખત લોકોને અકસ્માતનો સામનો કરવો પડે છે

લોકલ ટ્રેનની પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લોકલ ટ્રેનો (Mumbai Local)માં કામકાજના સમય દરમિયાન ઘણી ભીડ હોય છે, જેના કારણે ઘણી વખત લોકોને અકસ્માતનો સામનો કરવો પડે છે. કેન્દ્ર સરકાર હેઠળ આવતી સેન્ટ્રલ રેલવેએ તેના કર્મચારીઓના સમયમાં ફેરફાર કર્યા છે, જે બાદ હવે પોસ્ટ ઑફિસ હેડક્વાર્ટર (Post Office) મુંબઈએ પણ કામકાજના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

પોસ્ટ ઑફિસના કર્મચારીઓના કામકાજના સમયમાં પણ ફેરફાર

ભીડને વહેંચવા માટે સેન્ટ્રલ રેલવે (Central Railway)એ 1 નવેમ્બરથી કામકાજના સમયમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું. મધ્ય રેલવે પ્રશાસને સમય બદલવા માટે 500થી વધુ સંસ્થાઓને પત્ર લખ્યા છે. તેમાં મંત્રાલયો, સરકારી-ખાનગી કચેરીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ-સ્થાપનાઓનો સમાવેશ થાય છે. મુંબઈના ડિવિઝનલ રેલવે મેનેજર રજનીશ કુમાર ગોયલે જણાવ્યું હતું કે, રેલવેમાં ભીડ વ્યવસ્થાપન તેમ જ કર્મચારીઓની સલામત મુસાફરી માટે પોસ્ટ ઑફિસના કામકાજના સમયમાં ફેરફાર કરવા તૈયાર છે.

ડિલિવરી સ્ટાફ વહેલી સવારે એટલે કે લગભગ 6:30-7:30 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બાજુમાં આવેલી પોસ્ટ ઑફિસમાં આવે છે. કર્મચારીઓ 9:30 વાગ્યે બારીઓ પર આવે છે. આનાથી ઑફિસ કર્મચારીઓને સમય બદલવાનો વિકલ્પ મળશે, એમ મહારાષ્ટ્ર બોર્ડ ઑફ પોસ્ટલ સર્વિસના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ કિશન કુમાર શર્માએ મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અખબાર સાથે વાત કરતાં જણાવ્યું હતું.

મુંબઈ પોસ્ટ ઑફિસમાં કર્મચારીઓની કુલ સંખ્યા 600 સુધી છે. તેમાંથી 200 ઑફિસ કર્મચારી છે અને તેમને ટાઈમ શિફ્ટનો વિકલ્પ આપવામાં આવશે. હાલમાં નિયમિત કામ કરવાનો સમય સવારે 9:30થી સાંજના 6:00 સુધીનો છે. આવા વિકલ્પો વર્તમાન સમયના એકથી દોઢ કલાક પહેલાં અથવા સવારે 11 વાગ્યાથી આપવામાં આવશે. શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે કર્મચારીઓના ફીડબેક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

ટ્રેનોમાં ભીડ ઘટશે?

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં મુખ્ય સરકારી અને અર્ધસરકારી કાર્યાલયો તથા મોટી-મોટી કૉર્પોરેટ કંપનીઓની ઑફિસો વર્ષોથી તળમુંબઈમાં આવેલી હોવાથી રોજ સવારે લાખો લોકો ટ્રેનમાં પ્રવાસ કર્યા પછી આખો દિવસ ઑફિસમાં કામ કરીને સાંજે તેમના પરામાં આવેલા ઘરે પાછા ફરે છે. એથી સવાર-સાંજ પીક-અવર્સમાં ટ્રેનોમાં ભયંકર ગિરદી જોવા મળતી હોય છે, જેને કારણે અનેક વાર અકસ્માત પણ થાય છે અને લોકોનો જીવ પણ જાય છે. જોકે આ પરિસ્થિતિને ટાળવા મધ્ય રેલવેએ છેલ્લા ૧૭ દિવસમાં ત્રણસો જેટલાં સરકારી અને અર્ધસરકારી કાર્યાલયો અને ખાનગી ઑફિસોને પત્ર લખીને કહ્યું છે કે ટ્રેનોમાં ભીડ ખાળવા અને લોકોની સેફ્ટીનો વિચાર કરીને જો તમે તમારી ઑફિસના ટાઇમટેબલમાં સહેજ ફેરફાર કરીને કર્મચારીઓને બે શિફ્ટમાં વહેંચી નાખો તો એ લોકો આરામથી પ્રવાસ કરી શકશે અને તેમની સેફ્ટી પણ જળવાશે તેમ જ ટ્રેનોમાં ભીડ પણ ઓછી થશે.

mumbai local train central railway mumbai mumbai news indian railways