19 December, 2024 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કુર્લામાં તેમના ઘરે પરિવારજનો સાથે હમીદા બાનો. (તસવીર : સૈયદ સમીર અબેદી)
બાવીસ વર્ષ પહેલાં એક ટ્રાવેલ એજન્ટની બદમાશીને લીધે દુબઈને બદલે પાકિસ્તાન મોકલી દેવામાં આવેલાં કુર્લાનાં ૬૭ વર્ષનાં હમીદા બાનોનું પાકિસ્તાનના એક યુ-ટ્યુબરની મદદથી ગઈ કાલે મુંબઈમાં તેમના પરિવાર સાથે મિલન થયું હતું.
૨૦૦૨માં હમીદા બાનોને દુબઈમાં રસોઈ બનાવવાના કામ માટે મોકલવાનું પ્રૉમિસ કરીને ટ્રાવેલ એજન્ટે તેમને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા હૈદરાબાદમાં મોકલી દીધાં હતાં. ૨૦૨૨માં વલીઉલ્લા મારુફ નામના સ્થાનિક યુ-ટ્યુબરને હમીદા બાનોએ પોતાની વ્યથા કહી હતી કે કઈ રીતે ટ્રાવેલ એજન્ટ તેમને દુબઈ જવાનું કહીને માનવતસ્કરી હેઠળ પાકિસ્તાન મૂકી ગયો હતો અને તેણે આ વ્યથાને યુ-ટ્યુબ પર અપલોડ કરી હતી. વલીઉલ્લા મારુફના આ વ્લૉગને લીધે હમીદા બાનોના મુંબઈમાં રહેતા પરિવારે તેમનો કૉન્ટૅક્ટ કર્યો હતો અને દીકરી યાસ્મિને તેમની સાથે ફોન પર વાત કરી હતી.
ત્યાર બાદ વિદેશ મંત્રાલયની મદદથી હમીદા બાનોને ભારત લાવવામાં પરિવારને સફળતા મળી હતી. સોમવારે વાઘા બૉર્ડરના રસ્તે તેઓ બાવીસ વર્ષ બાદ ભારત આવ્યાં હતાં. તેમણે તો ભારત પાછા આવવાની આશા જ છોડી દીધી હતી, પણ નસીબ તેમને પાછા લઈ આવ્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે. ફૅમિલી મેમ્બર્સને મળીને તેઓ બહુ જ ભાવુક થઈ ગયાં હતાં. પાકિસ્તાનમાં તેમણે કરાચીમાં રહેતા એક માણસ સાથે નિકાહ કર્યા હતા, પણ કોરોનામાં તેમના પતિનું મૃત્યુ થઈ ગયા બાદ તેઓ પોતાના સાવકા પુત્ર સાથે રહેતાં હતાં.
પાકિસ્તાન પહોંચ્યાં એ પહેલાં મુંબઈમાં પતિના મૃત્યુ બાદ ચાર બાળકોનું ભરણપોષણ કરવા માટે તેઓ રસોઈ બનાવવાનું કામ કરતાં હતાં અને એ માટે હમીદા બાનો દોહા, કતર, દુબઈ અને સાઉદી અરેબિયા પણ જઈને પાછાં આવ્યાં હતાં. ત્યારે તેમને કોઈ તકલીફ નહોતી થઈ.