31 July, 2023 10:35 AM IST | Mumbai | Prajakta Kasale
મંત્રાલય પાસે રોડ કૉન્ક્રીટાઇઝેશનનું કામ કરી રહેલા મજૂરો (ફાઇલ તસવીર : અતુલ કાંબળે)
મુખ્ય પ્રધાનના ઊંચા દાવાઓ તથા બીએમસીની ખાતરી છતાં છેલ્લા ૧૨ મહિનામાં મુંબઈના ૬૮ કિલોમીટર રસ્તાનું કૉન્ક્રીટાઇઝેશન થયું છે. આશ્ચર્યજનક રીતે બીએમસીએ છેલ્લાં વર્ષોમાં દર વર્ષે આશરે ૧૫૦ કિલોમીટર રસ્તાનું કૉન્ક્રીટાઇઝેશન કર્યું છે.
જુલાઈના મધ્યમાં ભારે વરસાદ પડતાં જ રસ્તાઓ મૂન રાઇડમાં ફેરવાઈ ગયા હતા. ગયા વર્ષે પણ ખરાબ રસ્તાને લઈને બીએમસીએ લોકોના રોષનો સામનો કર્યો હતો. ૨૦૨૨ના જુલાઈમાં મુખ્ય પ્રધાન શિંદેએ વચન આપ્યું હતું કે બે વર્ષમાં દરેક રસ્તાનું કૉન્ક્રીટિંગ થશે અને ૨૦૫૦ કિલોમીટરના રસ્તામાંથી ૯૮૯.૮૪ કિલોમીટર રસ્તા બની ચૂક્યા છે. બીએમસીએ ૨૪ જુલાઈ ૨૦૨૩એ પ્રેસનોટમાં જણાવ્યું કે એણે ૬,૦૦૦થી વધુ ખાડા ભર્યા છે. કૉન્ક્રીટેડ રસ્તાની સંખ્યા ૬૮ કિલોમીટર વધી છે એટલે કે ૯૯૦ કિલોમીટરથી વધીને ૧,૦૫૮ કિલોમીટર થઈ છે.
બીએમસીએ ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩૯૭ કિલોમીટરના રસ્તાના કૉન્ક્રીટાઇઝેશન માટે કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો, પરંતુ ચોમાસા પહેલાં ભાગ્યે કોઈ રસ્તા બન્યા હતા. બાકીના રસ્તાની પ્રક્રિયા હજી શરૂ થઈ નથી. બીએમસીના વડા ઇકબાલ સિંહ ચહલે ગયા સપ્ટેમ્બરમાં હાઈ કોર્ટને વચન આપ્યું હતું કે બે વર્ષમાં તમામ રસ્તાનું કોન્ક્રીટાઇઝેશન કરવામાં આવશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પાછલા વર્ષ કરતાં કૉન્ક્રીટાઇઝેશનની ઝડપ વધી નથી રહી. ઍક્ટિવિસ્ટ ગૉડફ્રે પિમેન્ટાએ જણાવ્યું હતું કે ‘મુંબઈના રસ્તાને લઈને રાજ્ય સરકાર મૌન કેમ છે? આ બાબતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તપાસ થવી જોઈએ, કારણ કે બીએમસીના અગાઉના તમામ પ્રયાસો ખરાબ રીતે નિષ્ફળ ગયા છે.’
ઉલ્લેખનીય છે કે જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન મૉન્સૂનની સીઝનના કારણે રસ્તાનું કામ નથી થઈ શકતું એટલે ૩૦ મે સુધી થયેલું કામ પછી મૉન્સૂન બાદ શરૂ કરવામાં આવે છે. એ રીતે ડિપાર્ટમેન્ટ પાસે આ કામ માટે આઠ મહિના જેટલો સમય રહે છે.
૫૦૦ કિલોમીટરના રસ્તાની જવાબદારી ૧૫ એજન્સી પાસે
૨૦૨૨માં બીએમસીના કમિશનર ચહલે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ૧૫ એજન્સીઓ મુંબઈમાં ઓછામાં ઓછા ૫૦૦ કિલોમીટરના રસ્તાઓની જવાબદારી સંભાળી રહી છે. આ એજન્સીઓ MMRDA, MMRCL, MSRDC, PWD, MHADA, MIDC, AAI, BARC, RCF, નેવી, રેલવે, SRA, ફૉરેસ્ટ ઑથોરિટી અને ખાનગી લે-આઉટ છે.
1058
મુંબઈના કુલ ૨૦૫૦ કિ.મી. રસ્તાઓમાંના આટલા કિ.મી. રસ્તાઓનું કૉન્ક્રીટાઇઝેશન થયું છે