31 December, 2022 10:15 AM IST | Mumbai | Rohit Parikh
ફાઇલ તસવીર
જૈનોનાં બે તીર્થ ભાવનગર પાસે આવેલા પાલિતાણા/શત્રુંજય તીર્થ અને ઝારખંડમાં આવેલા સમેતશિખર તીર્થની રક્ષા કાજે મુંબઈના જૈન સમાજમાં જબરદસ્ત ઉગ્રતા અને ગરમાવોનું વાતાવરણ ફેલાયું છે. મુંબઈમાં શત્રુંજય તીર્થ પર અમુક અસામાજિક તત્ત્વો દ્વારા થઈ રહેલો જમીન પર કબજો તથા સાધુભગવંતો, યાિત્રકો અને તીર્થ પર થઈ રહેલા વારંવાર હુમલાના વિરોધમાં તેમ જ ઝારખંડ સરકાર દ્વારા ઝારખંડમાં આવેલા જૈનોના સમેતશિખરજી તીર્થને પર્યટન-સ્થળ જાહેર કરવાના વિરોધમાં આવતી કાલે મુંબઈના છ સંસદસભ્યોના વિસ્તારોમાં શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠનના નેતૃત્વ હેઠળ મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ આ બંને માગણી સાથે જૈનોનો વિરોધ પ્રદર્શિત કરવા માટે વિશ્વ જૈન સંગઠન દ્વારા બુધવાર, ચોથી જાન્યુઆરીએ મુંબઈના આઝાદ મેદાનમાં મુંબઈ અને મહારાષ્ટ્રના જૈનોની એક મહાધર્મસભા યોજાઈ છે.
નિર્ણય લેવામાં બંને સરકાર સ્લો
ગુજરાત અને ઝારખંડ સરકાર સામે જૈન સમાજ દ્વારા નાનકડી રૅલીથી શરૂ થયેલો વિરોધ હવે ઉગ્ર બની ગયો છે. બંને સરકારો જૈનોની માગણીઓ સામે આજે કરીશું, કાલે કરીશુંની નીતિ સાથે ધીમી ગતિએ આગળ વધી રહી છે એનાથી દેશ અને વિદેશના જૈનોમાં નારાજગી અને આક્રોશ ફેલાયાં છે.
ધાર્મિક સ્થળ પર માંસ-મદિરા શરૂ થશે
વિશ્વ જૈન સંગઠનના મુંબઈના અગ્રણી બિપિન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમેતશિખરજી તીર્થ એક ધાર્મિક સ્થળ છે. એને પર્યટન-સ્થળ કરવાથી માંસ-મદિરા જેવાં દૂષણો આ તીર્થમાં પ્રવેશશે અને એનાથી તીર્થની પવિત્રતા જોખમમાં મુકાઈ જશે, જેના પર સરકાર નિયંત્રણ નહીં રાખી શકે. શત્રુંજય તીર્થ પર અસામાજિક તત્ત્વો દ્વારા મદિરાનું સેવન શરૂ થઈ ગયું છે. શિખરજી તીર્થને પર્યટન-સ્થળમાં પરિવર્તિત કરવાનો સરકારનો ફેંસલો જૈનોની લાગણી દુભાવી રહ્યો છે. આ તીર્થ સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. પર્યટન-સ્થળમાં પરિવર્તિત થવાથી એનો ગૌરવશાળી ઇતિહાસ પ્રભાવિત થશે. પર્યટન-સ્થળ જાહેર કર્યા પહેલાં જ અમુક સ્થાનિક લોકો આ તીર્થ પર માંસ-મદિરા, નૃત્ય અને અશ્લીલ ગીતો વગેરેથી પવિત્ર ભૂમિને અપવિત્ર બનાવી રહ્યા છે. પર્યટન-સ્થળ બનવાથી તો હોટેલો, મોટેલો, માંસ-મદિરાની દુકાનો, શિકાર, જુગાર, વેશ્યાવૃત્તિ, વ્યભિચાર વગેરે આવનારા સમયમાં પ્રચંડ બની શકે છે. એનાથી પવિત્ર ભૂમિની પવિત્રતા સાવ જ નષ્ટ થઈ શકે છે. આથી જ અમે આ તીર્થને પર્યટન-સ્થળને બદલે પવિત્ર તીર્થ ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે એવી જોરદાર માગણી કરી રહ્યા છીએ.’
જૈનોના ૨૦ તીર્થંકરને મોક્ષગતિની પ્રાપ્તિ
પારસનાથ પર્વત જૈનોની સૌથી મોટી તીર્થભૂમિ છે જ્યાં જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકરો મોક્ષ પામ્યા છે. હવે આ અહિંસાનગરી તીર્થ ક્ષેત્ર કે પર્યટન ક્ષેત્રના વિવાદમાં ફસાઈ છે. આ વિવાદ પારસનાથ પર્વતના અમુક ભાગને સેન્સિટિવ ઝોન નોટિફાય કરવાથી ઊભો થયો છે જેનો દેશભરના જૈનો વિરોધ કરી રહ્યા છે. જૈનો આ તીર્થને તીર્થ ક્ષેત્ર જાહેર કરવાની માગણી કરી રહ્યા છે.
સ્થાનિક લોકો વિરોધમાં
જૈનો દ્વારા તીર્થ ક્ષેત્રની થઈ રહેલી માગણીનો સ્થાનિક લોકો હવે ખુલ્લેઆમ વિરોધ કરીને રોજ સમેતશિખરમાં જઈ રહેલા યાિત્રકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. રોજ ત્યાં બંધ જાહેર કરીને આ લોકો તેમનો રોફ જમાવી રહ્યા છે. એક વિધાનસભ્યે તો ત્યાં સુધી કહી દીધું છે કે ‘જૈનોના તીર્થંકરો મોક્ષમાં ગયા છે તો અમે તેમનો આદર કરીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે સમેતશિખરજી તીર્થને અમે જૈનોને સોંપી દઈએ. અહીં તેમના કાયદા નહીં ચાલે. કાયદા અમારા જ ચાલશે.’ આ શબ્દોએ જૈનોના આક્રોશમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
જૈન સાધુભગવંતોમાં જબરો રોષ
દિગમ્બર જૈન સમાજના મુનિ પ્રમાણસાગર મહારાજે સરકારની નીતિનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘જૈનોનો અત્યારે વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા જારી નોટિફિકેશનના કારણે થઈ રહ્યો છે. પહેલાં ઇકો-સેન્સિટિવ ઝોન બનાવવામાં આવ્યો હતો. હવે આને ઇકો-ટૂરિઝમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઇકો-ટૂરિઝમ શબ્દ જોડાતાં જ આ ક્ષેત્રની પવિત્રતા જોખમમાં મુકાઈ જશે. કાશી, વિશ્વનાથ, વૈષ્ણોદેવી જેવાં પવિત્ર સ્થળોની જેમ સમેતશિખર તીર્થને પર્યટન ક્ષેત્ર ઘોષિત કરવાને બદલે પવિત્ર તીર્થ ક્ષેત્ર ઘોષિત કરવાની જરૂર છે. અમને આશા છે કે સરકાર જૈન સમાજની લાગણી અને માગણીને સમજી શકશે.’
આ વિરોધ સમેતશિખરજી તીર્થની પવિત્રતા નષ્ટ કરવાના વિરોધમાં છે એમ જણાવીને ભારત ગૌરવ આચાર્ય પુલક સાગરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અમારો જૈન સમાજ અહિંસાનો પૂજારી છે. આજ સુધી જૈનોએ કોઈનાં ધર્મસ્થાનકો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે હંમેશાં અહિંસા અને કરુણાની વાતો કરીએ છીએ અને એનું અમલીકરણ પણ કરીએ છીએ. જૈન સમાજે વિશ્વને મહાવીરસ્વામીનો અહિંસાનો મેસેજ પહોંચાડ્યો છે. આજે સરકાર અમારા તીર્થની પવિત્રતાને જોખમમાં મૂકવા જઈ રહી છે ત્યારે જૈન સાધુસંતોએ, જૈન સમાજે અને દરેક સમુદાયે એકજૂટ બનીને તેમના અવાજને બુલંદ કરવાનો છે, આ તીર્થ માટે લોહી રેડવા તૈયાર થવાનું છે. અમારાં તીર્થો માટે અમે કાયર થઈને ઘરમાં નહીં બેસીએ. અમે રોડ પર ઊતરીશું. આજે આસ્થાનો સમુદ્ર સુનામી બનીને સડકો પર ઊતરી આવ્યો છે. આજે જે સરકારને અમે હિન્દુત્વની સરકાર કહીએ છીએ એ સરકાર જે સમાજે દેશ અને રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી યોગદાન આપ્યું છે એની સાથે આવો અન્યાય કેવી રીતે કરી શકે છે? અમે કોઈનો જાન લેતા નથી, પરંતુ તીર્થોની રક્ષા માટે અમારો સમાજ જાન આપવા તૈયાર છે.’
પર્યટન-સ્થળ બનાવવું જરૂરી
ઝારખંડના પ્રશાસને વિશ્વ જૈન સંગઠનના પદાધિકારીઓ સાથેની મીટિગમાં કહ્યું હતું કે ‘અમે સમેતશિખરમાં નાનીમોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એને પર્યટન-સ્થળ તરીકે જાહેર કર્યું છે. અમારી કોઈ મોટી સંરચના વિકસિત કરવાની યોજના નથી. અમે મધુબનમાં નવી સડકો સાથે બાયો શૌચાલયોનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. અત્યારે માંસ-મદિરા પર જે પ્રતિબંધ છે એનું પાલન કડક રીતે કરવામાં આવશે. અત્યારે અમારા ચીફ મિનિસ્ટર હેમંત સોરેન જૈનોની સમસ્યાનું નિરાકરણ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. પ્રશાસનના અધિકારીઓ અને જૈનોના પ્રતિનિધિમંડળ વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે. સરકાર બંને પક્ષોને સાંભળીને પછી આગળનો નિર્ણય લેશે. આ દરમિયાન ઝારખંડના ગવર્નર રમેશ બૈસે કેન્દ્રના સંબંધિત વિભાગોને પત્ર લખીને સમેતશિખર તીર્થને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવાની વિનંતી કરી છે.’