02 December, 2022 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
મુંબઈ(Mumbai)માં છેડતીનો ભોગ બનેલી સાઉથ કોરિયન મહિલાને એક સ્થાનિકે બચાવી હતી જે તેનું લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યો હતો. આનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. ટ્વિટર યુઝર ગિરીશ અલ્વાએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં જોઈ શકાય છે કે તેણે છેડતી વખતે કોરિયન મહિલાની કેવી મદદ કરી હતી. બાદમાં લાઈવ સ્ટ્રીમિંગમાં મહિલાએ આભાર માન્યો અને કહ્યું કે મુંબઈ સુરક્ષિત છે.
વીડિયોમાં એક પુરુષ કોરિયન મહિલાની મદદ કરતો જોઈ શકાય છે. પુરુષ મહિલાને કહે છે કે તે તેનું લાઇવ-સ્ટ્રીમિંગ જોઈ રહ્યો હતો. છોકરાઓને જોઈને તે સ્થળ પર પહોંચી ગયો. તે વ્યક્તિ બંને આરોપીઓ સાથે વાત કરતો જોઈ શકાય છે. તે બંને છોકરાઓને મહિલાને પરેશાન ન કરવા કહે છે. વ્યક્તિની દરમિયાનગીરી બાદ સ્કૂટી પર સવાર બંને છોકરાઓ ત્યાંથી નીકળી ગયા હતા. કોરિયન મહિલા આ મદદ માટે પુરુષનો ખૂબ આભાર માને છે.
ક્લિપના અંતે, મહિલાને મદદગાર સાથે ચાલતી જોઈ શકાય છે અને કહે છે, "મુંબઈ ખરેખર સુરક્ષિત છે, અને મને લાગે છે કે તેમનો કોઈ વધારે ખરાબ ઈરાદો પણ નહોતો."
આ પહેલા મહિલાની છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જેને જોઈને મુંબઈ પોલીસે પોતે સંજ્ઞાન લીધું હતું અને બંને આરોપીની ધરપકડ કરી હતી.
એનડીટીવી ડૉટ કૉમ અનુસાર કોરિયન મહિલાએ કહ્યું કે તે તેની હોટલ પરત જઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર બે યુવકોએ બૂમો પાડી તેણીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મહિલાએ જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું છે કે એક મહિલા કોન્સ્ટેબલને તેનું નિવેદન લેવા માટે મોકલવામાં આવશે.
મહિલાએ કહ્યું કે, "મેં પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેણે મારી કમર પકડીને મને તેની મોટરસાઇકલ પર ખેંચી લીધી. હું અસ્વસ્થતા અનુભવી રહી હતી." તેણે કહ્યું કે તેઓએ તેને ફોલો કરવાનો પ્રયાસ કર્યો અને તેનો ફોન નંબર પણ માંગ્યો હતો. મહિલાએ કહ્યું, "મેં તેમને નકલી નંબર આપ્યો હતો જેથી કરીને તેઓ જતા રહે."
જો કે, તેને ભારતમાં આવો ભયાનક અનુભવ આ પહેલા ક્યારેય થયો ન હતો. તેણીએ કહ્યું, "આ ફક્ત ભારતમાં જ નહીં, દરેક જગ્યાએ થાય છે. ભારતીયો વિશ્વના અન્ય ભાગોની જેમ સુંદર છે."
યુવતીએ વધુમાં કહ્યું કે તે મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીથી સંતુષ્ટ અને ખુશ છે, કારણ કે તેણે અન્ય દેશોમાં પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેણીએ કહ્યું, "હું ભારત નહીં છોડીશ, હું મારી આ સફરને વ્યર્થ નહીં જવા દઉં." તેણીએ કહ્યું કે તેણી આ દેશમાં ઘણા અદ્ભુત લોકોને મળી છે.
આ પણ વાંચો:લાઇવ સ્ટ્રીમ દરમિયાન કોરિયન વ્લોગરની મુંબઈમાં થઈ સતામણી, બે ઝડપાયા