આવતા વર્ષે ૨૦થી ૨૮ જાન્યુઆરી દરમ્યાન યોજાશે મુંબઈ ફેસ્ટિવલ

24 November, 2023 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવ દિવસના આ ફેસ્ટિવલની થીમ સપનોં કા ગેટવે રાખવામાં આવી છે : એમાં જોડાવા માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું

ફાઇલ તસવીર

ટૂરિઝમ વિભાગ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગઈ કાલે રાજ્યમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે મુંબઈ ફેસ્ટિવલ ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦થી ૨૮ જાન્યુઆરી દરમ્યાન નવ દિવસના આ ફેસ્ટિવલની થીમ સપનોં કા ગેટવે રાખવામાં આવી છે, જેનો લોગો લૉન્ચ કરવામાં આવ્યો હતો.

મુંબઈ ફેસ્ટિવલ ૨૦૨૪ની જાહેરાત કરતી વખતે રાજ્યના ટૂરિઝમપ્રધાન ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘મુંબઈના દરેક પાસાની ઉજવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મુંબઈ ફેસ્ટિવલ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ અનુભવ અને પહેલના એક સમૂહને લઈને આવે છે, જે મુંબઈગરાની ભાવના તેમ જ શહેરની સમૃદ્ધિ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરે છે.’

ટૂરિઝમપ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘ફેસ્ટિવલનો ઉદ્દેશ પર્યટનને પ્રોત્સાહન આપવાનો, વિકાસ અને સમાવેશકતાને આગળ વધારવાનો અને ટૂરિઝમ ઉદ્યોગમાં નવા અવસરના રસ્તા શોધવાનો છે. મુંબઈ ફેસ્ટિવલ ૨૦૨૪ માત્ર એક ઉત્સવ નથી. આ એક પરિવર્તનકારી અનુભવ છે, જે ભારતમાં અત્યાર સુધી જોવા મળેલા સૌથી મોટા વાર્ષિક તહેવારોમાંથી એક બનાવવા માટે તૈયાર છે. અમે બધાને વિનંતી કરીએ છીએ કે તમે આ તહેવારમાં જોડાઓ, કારણ કે આ ફેસ્ટિવલ મુંબઈને સન્માનિત કરે છે.’

મુંબઈ ફેસ્ટિવલની ઉજવણી મુંબઈભરમાં કરવામાં આવશે. મુંબઈગરાઓની સેવામાં કાયમ ખડેપગે રહેતા ડબ્બાવાળા, પોલીસ હવાલદાર, બેસ્ટની બસોના ડ્રાઇવર અને કન્ડક્ટર, સફાઈ-કર્મચારી વગેરેનું આ ફેસ્ટિવલ દરમ્યાન સન્માન કરવામાં આવશે.

આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ શૉપ ઍન્ડ વિન હશે. એમાં મુંબઈભરનાં અસંખ્ય રીટેલ અને ડાઇનિંગ આઉટલેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈ મૅરથૉન, કાલાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ, હૅપી સ્ટ્રીટ્સ, યોગા બાય ધ બે અને આરોગ્યમ કિડ્ઝેથન વગેરેનો પણ મુંબઈ ફેસ્ટિવલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

gateway of india mumbai mumbai news