Mumbai Hotels: મુંબઈની હૉટલોમાં જમવું સ્વાસ્થ્ય માટે હાનિકારક, FDAનો ચોંકાવનારો ખુલાસો

13 September, 2023 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શહેરની જે હૉટલોમાં મુંબઈવાસીઓ ભોજનનો આનંદ માણે છે, તેમાંથી 90 ટકાને હૉટલો (Mumbai Hotel)માં સુધારાની તાતી જરૂર હોવાની માહિતી પ્રકાશમાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

શહેરની જે હૉટલોમાં મુંબઈવાસીઓ ભોજનનો આનંદ માણે છે, તેમાંથી 90 ટકાને હૉટલો (Mumbai Hotel)માં સુધારાની તાતી જરૂર હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. મુંબઈની ઘણી હૉટલો ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FDA) દ્વારા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતી નથી. FDAએ હૉટલોને સુધારણાની નોટિસ પાઠવી છે, જ્યારે 2 હૉટલો સામે કાર્યવાહી કરીને તેને બંધ કરાવી છે. 13 ઑગસ્ટના રોજ, બંદરામાં હૉટલ પાપા પેંચો દા ધાબા ખાતે ગ્રાહક દ્વારા ઑર્ડર કરાયેલ ચિકન ડીશમાં એક મૃત ઉંદર મળી આવ્યો હતો.

આ ઘટના બાદ ગ્રાહકે મુંબઈ પોલીસ (Mumbai Police)માં કેસ નોંધાવ્યો હતો. પોલીસે ખોરાકમાં ભેળસેળ અને વ્યક્તિના જીવ સાથે બેદરકારીનો કેસ નોંધ્યો હતો. આ ઘટના બાદ FDA એક્શનમાં આવ્યું છે. FDAએ ઢાબાનું નિરીક્ષણ કર્યું હતું. એફડીએની તપાસમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું, ત્યાર બાદ હૉટલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી હતી.

ડીશમાં ઉંદર મળી આવવાની ઘટના બાદ એફડીએ કમિશનરે એક વિશેષ અભિયાન હેઠળ મુંબઈના કુલ 13 ઝોનના ફૂડ ઈન્સ્પેક્ટરોને તેમના વિસ્તારની હૉટલોમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. FDA ઑફિસમાંથી મળેલી માહિતી મુજબ 17 દિવસમાં કુલ 68 હૉ ટલની તપાસ કરવામાં આવી હતી.

૬૪ હૉટલો (Mumbai Hotels)માં નિયમોનું પાલન થતું ન હોવાનું તપાસમાં જોવા મળ્યું હતું, જ્યારે બે હૉટલમાં વધુ ઉલ્લંઘનો હોવાનું જણાયું હતું અને તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે હૉટલોને તાત્કાલિક કામકાજ બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

એફડીએના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, FSSAIના નિયમો હેઠળ હૉટલ માટે લગભગ 90થી 100 ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે, પરંતુ તપાસમાં સામે આવ્યું છે કે હૉટલોમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આવી સ્થિતિમાં હૉટલોને તેમની ખામીઓ પૂરી કરવાની તક આપવામાં આવી છે. જો ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ મોકલ્યા બાદ પણ સુધારો કરવામાં નહીં આવે તો FDA એક્ટ હેઠળ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં તેમને દંડ પણ થઈ શકે છે અથવા તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે.

શું ખામીઓ મળી?

એક ફૂડ ઈન્સ્પેક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, હૉટલ માટે એક ચેક લિસ્ટ હોય છે, જેમાં 80થી 90 બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. તપાસ દરમિયાન ઘણી હૉટલોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. કેટલાક રસોડા ગંદા હતા, તો કેટલાકમાં ખુલ્લા ડસ્ટબીન હતા, જ્યારે નિયમો મુજબ ડસ્ટબીન પર ઢાંકણું હોવું જોઈએ. હૉટલમાં કામ કરતાં કર્મચારીઓએ હાથ મોજા અને માથા પર કેપ પહેરવી પડે છે. આ બે વસ્તુઓ સહિત રસોઇયાએ એપ્રોન પણ પહેરવાનું હોય છે, પરંતુ તપાસ દરમિયાન ઘણી હૉટલોમાં એવું ન હોવાનું જાણવા મળ્યું હતું. હૉટલોની ચકાસણીની કામગીરી હજુ ચાલુ છે. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

food and drug administration mumbai food mumbai mumbai news