08 March, 2021 09:02 AM IST | Mumbai | Anurag Kamble
મહાનગરપાલિકાના કૉન્ટ્રૅક્ટર સંજય ભાનુશાલીનું વિશિષ્ટ સન્માન કરીને તેમને શરમજનક સ્થિતિમાં મૂકવાનો સ્થાનિક લોકો-ઉત્સાહી મિત્ર મંડળનો પ્રયાસ.
ઘણા મહિનાઓથી રસ્તો ખોદીને રાખી મૂકનારા મુંબઈ મહાનગરપાલિકાના કૉન્ટ્રૅક્ટરને શાલ, શ્રીફળ અને ‘કામ પૂરું કરવામાં વિલંબ’નું પ્રમાણપત્ર આપીને સન્માન દ્વારા ભાંડુપના રહેવાસીઓએ નાટ્યાત્મક રીતે ગાંધીગીરી દાખવી હતી. જોકે સ્થાનિક નગરસેવક ઉમેશ માનેએ ૨૦ વર્ષથી રઝળતું કામ પૂરું કરવાના પ્રયાસને અપયશ આપીને પોતાની બદનક્ષીનો વિઘ્નસંતોષીઓનો પ્રયાસ ગણાવ્યો હતો.
ભાંડુપના વિવિધ વિસ્તારોમાં સિવરેજ લાઇન્સ નાખવા માટે રસ્તા ખોદવાનું કામ પાંચથી છ મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. એ વિસ્તારોમાં કોંકણનગર, પ્રતાપનગર, દક્ષિણ ઉત્કર્ષનગર, જમીલનગર, સમર્થનગર અને સહ્યાદ્રિનગરનો સમાવેશ છે. કૉન્ટ્રૅક્ટર સંજય ભાનુશાલીને વિચિત્ર રીતે સન્માનિત કરીને શરમજનક સ્થિતિમાં મૂકવાનો ઉપક્રમ હાથ ધરનારા ઉત્સાહી મિત્ર મંડળના મનોજ મોરેએ જણાવ્યું હતું કે ‘એ લોકોએ રસ્તો ખોદી નાખ્યો ત્યારે અમને એવું લાગ્યું કે ટૂંક સમયમાં ખાડા પૂરી દેવાતાં લોકોને અને વાહનોને હરવા-ફરવામાં સરળતા થશે, પરંતુ એ કામ ચાલતું જ રહ્યું. લગભગ છ મહિના પસાર થયા છતાં એનો અંત આવતો નથી. તેથી નાગરિકોએ ત્રાસીને કૉન્ટ્રૅક્ટરના વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.’
નગરસેવકનું શું કહેવું છે?
વૉર્ડ નંબર ૧૧૫ના નગરસેવક ઉમેશ માનેએ આ બાબતે જણાવ્યું હતું કે ‘સિવરેજ લાઇન્સને અંદર ઉતારવા સહિતની જરૂરિયાતોનાં કામ વીસેક વર્ષથી રઝળતાં હતાં. એ કામ મેં શરૂ કરાવ્યાં. હવે સિવરેજ લાઇન્સ પંદરેક ફુટ ઊંડે ઉતારવામાં આવશે. મોટું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. એ વખતે પ્રચારભૂખ્યાં તોફાની તત્ત્વોએ મને અપયશ મળે એવું નાટ્યાત્મક કાર્ય કર્યું છે.’