તૂટી પડેલા હોર્ડિંગનો કાટમાળ કાપતી વખતે આગ લાગી ગઈ

16 May, 2024 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેટ્રોલ પમ્પ પર CNGનો પણ સ્ટૉક હતો અને એનાં સિલિન્ડર્સ પણ હતાં.

પ્રતીકાત્મક તસવીર

તોતિંગ હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ ફાયર-બ્રિગેડ સાથે રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના જવાનો પણ ત્યાં કામ કરી રહ્યા છે. મૂળમાં એ હોર્ડિંગ પેટ્રોલ પમ્પ પર પડ્યું હતું એટલે રેસ્ક્યુ ઑપરેશન વધુ જોખમી થઈ ગયું હતું. પેટ્રોલ પમ્પ પર CNGનો પણ સ્ટૉક હતો અને એનાં સિલિન્ડર્સ પણ હતાં. બીજું, જે ગાડીઓ ત્યાં પેટ્રોલ, ડીઝલ કે પછી CNG ભરાવવા આવી હોય એમાં પણ થોડીઘણી માત્રામાં એ ફ્યુઅલ હોવાની શક્યતા હતી. એથી જેટલી પણ શક્ય હોય એટલી વધુ કાળજી લઈને પહેલાં ગૅસ-સિલિન્ડરો ત્યાંથી હટાવવામાં આવ્યાં હતાં અને એ પછી ગઈ કાલ સવારથી હોર્ડિંગનો કાટમાળ ગૅસકટરથી કાપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સાવચેતીની દૃ​ષ્ટિએ ત્યાં ફાયર-બ્રિગેડ પણ તહેનાત કરાઈ હતી. કાટમાળ ગૅસકટરથી કાપીને દૂર કરવામાં આવતો હતો ત્યારે નાની આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર-બિગ્રેડ ત્યાં હાજર જ હતી એટલે વ‍ધે એ પહેલાં જ એના પર કન્ટ્રોલ મેળવી લેવામાં આવ્યો હતો. આગમાં કોઈ નુકસાન થયું નહોતું.

mumbai news ghatkopar fire incident