Mumbai Hoarding Collapse : મહાકાય હોર્ડિંગે 14નાં જીવ લીધા, 74 લોકોને ઇજા, શિંદે સરકારે મદદની કરી જાહેરાત

14 May, 2024 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Hoarding Collapse: આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે આ સાથે જ 74 લોકો ઘાયલ થયા હોવાના આંકડા મળ્યા છે.

પડી ગયેલું હોર્ડીંગ (ફાઇલ તસવીર)

ગઇકાલે વિકલી ઓફ બાદ સોમવારનાં દિવસે મુંબઈકર નોકરી-ધંધા પર ગયા હતા તેવે સમયે સાંજે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે વિશાળ હોર્ડીંગ પડી જવાથી મોટી દુર્ઘટના (Mumbai Hoarding Collapse) સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં સતત મૃયુઆંક વધતો જોવા મળી રહ્યો છે. 

૧૪ લોકોએ ગુમાવ્યા પ્રાણ 

પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનાં (Mumbai Hoarding Collapse)માં ઓછામાં ઓછા 14 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે આ સાથે જ 74 લોકો ઘાયલ થયા હોવાના આંકડા પણ સામે આવી રહ્યા છે. સૌ પ્રથમ તો ગઇકાલે ધૂળની ડમરીઓ અને ગોટેગોટા ઉમટ્યા હતા અને ત્યારબાદ ભારે વરસાદ થયો હતો. જેને કારણે શહેરમાં જય જુઓ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક દુર્ઘટનાઓમાં પંતનગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ ફ્યુઅલ બનેલી આ દુર્ઘટના ખૂબ જ દર્દનાક હતી કે જેમાં સતત મૃત્યુઆંક વધી રહ્યા છે. 

હોર્ડિંગના માલિક સામે પોલીસે શરૂ કરી છે કાર્યવાહી

આ દુર્ઘટના (Mumbai Hoarding Collapse)નાં કલાકોમાં જ મુંબઈ પોલીસે શહેરમાં ધરાશાયી થયેલા આ ભયાનક હોર્ડિંગના માલિક ભાવેશ ભીડે સામે કેસ નોંધ્યો હતો અને તેની સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ભાવેશ ભીંડે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે, જેણે આ મહાકાય હોર્ડિંગ લગાવ્યું હતું. તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

એકનાથ શિંદેએ સહાય રકમ જાહેર કરી છે 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ મૃતકના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની મદદ રકમની જાહેરાત કરી છે. આ સાથે જ શિંદેએ એમ પણ કહ્યું કે ઘાયલોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપપ્રમુખ જગદીપ ધનકરે દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયાં છે તે બદ્દલ શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વ્યક્ત કર્યો શોક 

તમને જણાવી દઈએ કે 14 લોકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતાં ખડગેએ એક્સ પર લખ્યું હતું કે, "મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી (Mumbai Hoarding Collapse) થવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા તે ઘટનાથી ખૂબ જ દુઃખ થયું. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. ઘણા લોકો ઘાયલ થયા છે, અને અમે તેમના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ" 

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયેલા કુલ 88 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 14 લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ સાથે જ સદનસીબે 31 અસરગ્રસ્તોને રજા આપવામાં આવી હતી. અત્યારે ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન અને બધુ વ્યવસ્થિત કરવાનું કામ શરૂ જ છે. માત્ર સમસ્યા એ છે કે પેટ્રોલ પંપ હોવાથી ગેસોલિન આધારિત કટીંગ સાધનોનો ઉપયોગ કરી શકતો નથી. તેમ છતાં બે NDRF ટીમો ઘટનાસ્થળે હાજર છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે.

mumbai news mumbai ghatkopar mumbai rains mumbai police mumbai weather