17 July, 2024 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિહિર શાહને જેમાં કોર્ટમાં લાવવામાં આવ્યો એ અર્ટિગા કાર (તસવીર : શાદાબ ખાન)
૭ જૂનની વહેલી સવારે વરલીના એટ્રિયા મૉલ સામે પોતાની BMW કાર દારૂના નશા હેઠળ પૂરઝડપે ચલાવી આગળ સ્કૂટી પર જઈ રહેલા માછીમાર દંપતીને અડફેટે લઈ કાવેરી નાખવાનું મૃત્ય નિપજાવનાર મિહિર શાહને ગઈ કાલે પોલીસ-કસ્ટડી પૂરી થતાં શિવડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ તેને અર્ટિગા કારમાં કોર્ટમાં લઈ આવી હોવાથી આરોપીને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.
નવાઈની વાત એ છે કે મિહિર સામે સદોષ મનુષ્ય-વધના ગુનાની સાથે ટિન્ટેડ ગ્લાસવાળી કાર ચલાવવા બદલ પણ ગુનો નોંધવામાં આવ્યો છે, પણ તેને જે અર્ટિગા કારમાં લાવવામાં આવ્યો એમાં પણ ડાર્ક બ્લૅક ફિલ્મ લાગેલી હતી. જોકે પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે સુરક્ષાનાં કારણોસર તેને ટિન્ટેડ ગ્લાસવાળી કારમાં લાવવામાં આવ્યો હતો. એ સિવાય પોલીસે કોર્ટ બિલ્ડિંગમાં મિહિરની તેના એક સંબંધી સાથે બંધબારણે મુલાકાત પણ કરાવી આપી હોવાનો આરોપ થઈ રહ્યો છે.
દરમ્યાન ગઈ કાલે કોર્ટમાં પોલીસે મિહિરની કસ્ટડી વધારવાની માગ કરી હતી, પણ બચાવ પક્ષના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે હવે તેની પોલીસ-કસ્ટડીની જરૂર નથી. કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ મિહિર શાહને ૧૪ દિવસની જેલ-કસ્ટડીનો આદેશ આપ્યો હતો.
રિમાન્ડ વધારવા શું દલીલ થઈ?
પોલીસ તરફથી પબ્લિક પ્રોસિક્યુટર રવીન્દ્ર પાટીલ અને ભારતી ભોસલેએ મિહિરની કસ્ટડી લંબાવી આપવાની રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘મિહિર જ્યારે અકસ્માત કરીને નાસી છૂ્ટ્યો હતો ત્યારે તેને છુપાવવામાં કોણે મદદ કરી હતી એની માહિતી કઢાવવાની બાકી છે. પોલીસને તેની કારમાંથી બિઅરનાં કૅન મળી આવ્યાં છે જે તેણે અકસ્માત કર્યાના એક કલાક પહેલાં જ ખરીદ્યાં હતાં. બીજું, મિહિર સામે મોટર વેહિકલ ઍક્ટની કલમો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેણે જ્યારે આ અકસ્માત કર્યો ત્યારે ગાડીનો વૅલિડ ઇન્શ્યૉરન્સ નહોતો અને પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલનું સર્ટિફિકેટ પણ નહોતું. તેણે તેની કારમાં ટિન્ટેડ ગ્લાસ લગાડ્યા હતા જે ગેરકાયદે છે એટલે એ બદલ પણ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધી બાબતની તપાસ હજી ચાલી રહી હોવાથી કેસની ગંભીરતા જોતાં તેની કસ્ટડી લંબાવી જોઈએ.’
રિમાન્ડના વિરોધમાં શું દલીલ થઈ?
મિહિર શાહ તરફથી રજૂઆત કરતા વકીલ આયુષ પાસબોલા અને સુધીર ભારદ્વાજે કોર્ટને જણાવ્યું હતું કે ‘પોલીસને તેની (મિહિર) પાસેથી જે જોઈતું હતું એ બધું જ મેળવી લીધું છે. તેમણે ૨૭ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ પણ નોંધ્યાં છે. વળી મિહિર જ્યારે ધરપકડથી બચવા નાસતો ફરી રહ્યો હતો ત્યારે તેણે કોનો-કોનો સંપર્ક કર્યો હતો એ શોધી કાઢવા પોલીસને પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો.’