26 March, 2021 11:18 AM IST | Mumbai | Agency
દીપક કોચર
બૉમ્બે હાઈ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા દાખલ કરવામાં આવેલા મની-લૉન્ડરિંગ કેસમાં આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરના જામીન ગુરુવારે મંજૂર કર્યા હતા.
શહેરની સ્પેશ્યલ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોચરની જામીનઅરજી ફગાવી દીધા બાદ તેમણે હાઈ કોર્ટનું શરણ લીધું હતું.
હાઈ કોર્ટના જસ્ટિસ પી. ડી. નાઈકે ગુરુવારે કોચરના જામીન મંજૂર કરતી વખતે તેમને ત્રણ લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ તૈયાર કરવાનો હુકમ કર્યો હતો.
એની સાથે જ હાઈ કોર્ટે દીપક કોચરને પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) કેસની સુનાવણી હાથ ધરી રહેલી સ્પેશ્યલ કોર્ટમાં તેમનો પાસપોર્ટ જમા કરાવવાનો હુકમ કર્યો હતો અને તેમને તપાસમાં સહકાર આપવાની તાકીદ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આઇસીઆઇસીઆઇ બૅન્ક-વિડિયોકૉન મની-લૉન્ડરિંગ કેસમાં પીએમએલએ હેઠળ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈડી દ્વારા દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી.
આઇસીઆઇસીઆઇ બૅન્કની નીતિઓનો ભંગ કરીને વિડિયોકૉન ગ્રુપ ઑફ કંપનીઝની લોન મંજૂર કરીને આઇસીઆઇસીઆઇ બૅન્કને નુકસાન પહોંચાડવાના આરોપસર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કોચર દંપતી, વિડિયોકૉન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂત તથા અન્યો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવામાં આવતાં ઈડીએ મની-લૉન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો.