28 February, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈને બદલે થાણેમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રી (તસવીર : આશિષ રાજે)
હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમ્યાન તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાને પગલે હીટવેવની અલર્ટ જાહેર કરીને લોકોને ગરમીથી બચવા માટે ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, હવામાન વિભાગે ગરમીમાં હજી વધારો થવાની આગાહી કરી હતી એટલે ફેબ્રુઆરી મહિનાનો ગરમીનો ૫૯ વર્ષ જૂનો ૩૯.૬ ડિગ્રીનો રેકૉર્ડ તૂટવાની શક્યતા હતી. જોકે ગઈ કાલે મુંબઈમાં દિવસનું તાપમાન ૩૮.૫ ડિગ્રી રહ્યું હતું, પણ મુંબઈને અડીને આવેલા થાણેમાં પારાએ પહેલી વખત ૩૯ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. એને લીધે ગઈ કાલે મુંબઈ કરતાં થાણેમાં વધુ ગરમી અનુભવાઈ હતી. નવી મુંબઈમાં ગઈ કાલે ૩૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગ મુજબ હજી આગામી ત્રણ દિવસ તાપમાન વધુ રહેશે એટલે લોકોને વધુ પ્રમાણમાં પાણી પીવાની સાથે વધુ સમય સુધી ખુલ્લી જગ્યામાં ન રહેવાની સલાહ આપવામાં આવી છે.