આ ડૉક્ટરના ક્લિનિકમાં ગજાનનની ૮૦૦થી વધુ મૂર્તિઓ જોવા મળશે

14 September, 2024 02:40 PM IST  |  Mumbai | Sejal Patel

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના કૅન્સર-સર્જ્યન ડૉ. મંદાર નાડકર્ણીને તેમના પેશન્ટ્સ તરફથી આ બધી ગણેશની મૂર્તિઓ ગ્રૅટિટ્યુડ ગિફ્ટ તરીકે મળી છે એટલું જ નહીં, એમાં હજી સતત વધારો થતો રહે છે

તસવીરો : અદિતિ હરળકર

મુંબઈના ટોચના ઑન્કૉ-સર્જ્યન્સમાં નામ ધરાવતા અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના બ્રેસ્ટ-કૅન્સર સ્પેશ્યલિસ્ટ સર્જ્યન ડૉ. મંદાર નાડકર્ણીની રૂમમાં પ્રવેશો તો ટેબલ પર અને આજુબાજુની શેલ્ફ પર નાની-મોટી અઢળક ગણેશજીની મૂર્તિ અને પેઇન્ટિંગ્સ જોવા મળશે. તેમના ટેબલ પર પણ બે-ત્રણ યુનિક ગણપતિની મૂર્તિઓ છે. જોકે ડૉ. મંદારની આ એક જ રૂમ નથી. તેઓ ત્રણ રૂમમાં પેશન્ટ તપાસે છે અને આ ત્રણેય કન્સલ્ટિંગ રૂમ ચોમેરથી વિનાયકની મૂર્તિઓના પૉઝિટિવ વાઇબ્સથી છલોછલ હોય છે. કોઈકને કદાચ નવાઈ લાગી શકે કે એક ડૉક્ટર ત્રણ રૂમમાં કન્સલ્ટેશન કેમ કરે છે? તો એનો જવાબ છે પેશન્ટ્સનો રશ. જોકે આ ત્રણેયમાં જો કંઈક કૉમન હોય તો એ છે ગણપતિબાપ્પા. ડૉ. મંદાર નાડકર્ણીની ત્રણેય કન્સલ્ટિંગ રૂમમાં જ્યાં-જ્યાં નજર તમારી ઠરે, બાપ્પાનાં દર્શન થશે, થશે અને થશે જ.

પહેલી વાર તમે પેશન્ટ તરીકે ગયા હો અને તમારી ફાઇલ સ્ટડી માટે ડૉક્ટરને આપો એટલે ડૉ. મંદાર સૌથી પહેલાં ટેબલ પર મૂકેલા ગણપતિબાપ્પાની એક મૂર્તિ પાસે તમારી ફાઇલ મૂકશે અને બાપ્પાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા પછી જ ફાઇલ ખોલીને સ્ટડી કરશે. શું તમે આવું દરેક પેશન્ટ માટે કરો? સ્મિત સાથે હકારમાં જવાબ આપતાં ડૉ. મંદાર નાડકર્ણી કહે છે, ‘હા, દરેક નવા પેશન્ટની ફાઇલ પહેલી વાર હાથમાં લેતાં પહેલાં હું આમ જ કરું છું. આની પાછળ પણ બહુ મોટું કારણ છે. હું કૅન્સરના દરદીઓની સારવાર કરું છું અને બધા જાણે છે કે કૅન્સરની ટ્રીટમેન્ટ કેટલી અનપ્રિડિક્ટેબલ હોય છે. તમારી પાસે ૧૦૦ દરદી આવે અને તમે એ દરેક દરદી માટે સારામાં સારું, બેસ્ટ અને જે આઇડિયલ ટ્રીટમેન્ટ હોય એ જ આપો છો. ટ્રીટમેન્ટમાં કોઈ જ બદલાવ ન હોવા છતાં એવું બને કે ૮૫ જણ સાજા થઈ ગયા, પણ ૧૫ જણ એવા રહી જાય જેમને પાંચ-સાત વર્ષમાં જ કાં તો કૅન્સર ઊથલો મારે કાં બીજા અવયવોમાં કૅન્સર ફેલાઈ જાય કે પછી તેઓ રહ્યા જ ન હોય એવું પણ બને. આવું થાય ત્યારે હું બહુ વિચારું કે આવું કેમ થયું? મેં તો બેસ્ટ ટ્રીટમેન્ટ આપી હતી છતાં તેમને ફરી કૅન્સર કેવી રીતે આવ્યું? આના ઘણા જવાબ હોઈ શકે કે આ તો ટ્યુમર બાયોલૉજી છે, ટ્રીટમેન્ટને શરીરે સારી રીતે રિસ્પૉન્ડ ન કર્યું વગેરે. જોકે સ્પિરિચ્યુઅલ લેવલ પર જઈએ તો આવું બને ત્યારે સમજાય કે આપણા કરતાં ઊંચો કોઈક પાવર જે ખરેખર સુપરપાવર છે એ જ નક્કી કરે છે કે ક્યારે શું થશે. મારું કામ છે બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનું, પણ ભગવાન નક્કી કરે છે કે કોણ ક્યૉર થશે અને કોણ નહીં.’

મોટા ભાગે જ્યારે પેશન્ટને સારું ન થાય ત્યારે ડૉક્ટરને આ કારણ મળતું હોય છે કે બધું ઉપરવાળાના હાથમાં છે, પણ ડૉ. મંદાર આ વાતને પણ અલગ રીતે જુએ છે. તેઓ કહે છે, ‘જો હું નિષ્ફળ ૧૫ ટકા કેસ માટે ભગવાનને જવાબદાર ઠેરવતો હોઉં તો જે સફળ ૮૫ ટકા કેસ છે એની ક્રેડિટ કઈ રીતે લઈ શકું? એ પણ ભગવાનની મરજીથી જ થયું છે. બસ, આ જ કારણસર હું નવો કેસ લેતાં પહેલાં બે મિનિટ માટે પ્રાર્થના કરતો હોઉં છું કે હે પ્રભુ, હું મારાથી બનતું બેસ્ટ કરીશ, બાકી બધું તમારા હાથમાં છે. ઇન ફૅક્ટ, હું દરદીઓને પણ કહેતો હોઉં છું કે સાજા થવું હોય તો તમે જે ગૉડમાં માનો છો એની સામે રોજ દિવસમાં એક-બે વાર શાંત રીતે પ્રભુને યાદ કરજો.’

ટેબલ પર એક પછી એક મૂર્તિઓના કલેક્શનનો સિલસિલો કઈ રીતે શરૂ થયો એની વાત કરતાં ડૉ. મંદાર કહે છે, ‘મેં ૧૦ વર્ષ તાતા હૉસ્પિટલમાં કામ કર્યું હતું. એ વખતે મમ્મીએ શુભેચ્છા માટે ત્રણેક ગણેશજીની મૂર્તિ આપી હતી, જેને હું ટેબલ પર રાખતો. ૨૦૦૯માં કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલ સાથે જોડાયો ત્યારે એ જ ત્રણ મૂર્તિઓ હું સાથે લઈ આવેલો. પેશન્ટ્સને થતું કે મને ગણેશજીમાં બહુ શ્રદ્ધા છે એટલે તેઓ સાજા થઈ જાય એટલે ગિફ્ટમાં મૂર્તિ આપતા. એ મૂર્તિઓ હું આ જ રૂમમાં રાખવા માંડ્યો. ધીમે-ધીમે ત્રણેય કન્સલ્ટિંગ રૂમમાં ગણેશજીની મૂર્તિઓ છવાઈ ગઈ.’

કેટલી મૂર્તિઓનું કલેક્શન ડૉ. મંદાર પાસે છે? આ સવાલનો તેમની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. તેઓ કહે છે, ‘૮૦૦થી ૧૦૦૦ તો ખરી જ. કેટલીક મોટી મૂર્તિઓ અને જ્વેલ્સ જડેલી હોય એ અહીં રાખી શકાય એમ નથી એટલે એ મારા ઘરે છે. જોકે રૂમમાં એકેય મૂર્તિ એકસરખી હોય એવી નથી અને એનું શ્રેય મારા પેશન્ટ્સને જાય છે. હવે તો તેઓ બાકાયદા અહીંના ફોટો લઈને જાય છે જેથી તેઓ એવી મૂર્તિ ગિફ્ટ કરી શકે જે અહીં ઑલરેડી ન હોય. કેટલાક પેશન્ટ તો ફોન કરીને પૂછે કે સર વૉટ્સઍપ ચેક કરોને? મેં ફોટો મોકલાવ્યો છે. આવી મૂર્તિ તમારી પાસે નથીને?’

ganpati ganesh chaturthi visarjan kokilaben dhirubhai ambani hospital