Mumbai Fire News: મરીન લાઈન્સની એક ઈમારતમાં ભયંકર આગ, ઘટનાનો વીડિયો આવ્યો સામે

23 February, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire News: બીએમસી દ્વારા આગને આગને લેવલ એકની નાની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને પાંચ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને લગભગ અઢી વાગ્યાની આસપાસ આગને પૂર્ણ પણે કાબૂમાં લેવામાં આવી હતી.

મરીન લાઈન્સના મરીન ચેમ્બર ઈમારતમાં આગ (વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ શનિવારે જણાવ્યું હતું કે મુંબઈના મરીન લાઈન્સ વિસ્તારમાં એક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. સદનસીબે આ આગની ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ ન હોવાના અહેવાલ છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ આપેલી માહિતી મુજબ, શનિવારે લગભગ 12:26 વાગ્યાની આસપાસ મરીન લાઈન્સની ગોલ મસ્જિદ નજીક આવેલી ઝફર હૉટેલની બાજુના મરીન ચેમ્બર ઈમારતમાં આગ લાગી હતી.

આગની માહિતી મળતાં, મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના સિવિલ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી. BMCએ જણાવ્યું હતું કે, "આગ ગ્રાઉન્ડ-પ્લસ-પાંચ માળની ઇમારતના બીજા માળે એક ફ્લૅટમાં લાગી હતી, અને તે આગળ ફેલાઈ નહોતી." બીએમસી દ્વારા આગને આગને લેવલ એકની નાની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને પાંચ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને લગભગ અઢી વાગ્યાની આસપાસ આગને પૂર્ણ પણે કાબૂમાં લેવામાં આવી હતી.

ગોરેગાંવની ફિલ્મ સિટીમાં પણ લાગી હતી આગ

ગુરુવારે મુંબઈની આઇકોનિક ફિલ્મ સિટીના ગેટ પાસે ઝૂંપડીઓમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જોકે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ ન હોવાના અહેવાલ બીએમસીએ આપ્યા હતા. બીએમસી અધિકારીઓ અને ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે સંતોષ નગરમાં સાંજે 7:30 વાગ્યે આગ લાગી હતી અને આગ ઓલાવવા માટે સાત ફાયર ટેન્ડર અને અન્ય સાધનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

"આ આગ ત્યાં આવેલી અંદાજે 150 થી 200 ઝૂંપડપટ્ટીઓ સુધી જ ફેલાઈ હતી. આગને ચારે બાજુથી કાબૂમાં લેવામાં આવી હતી અને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ હોવાના અહેવાલ નથી," તેમણે કહ્યું. અધિકારીએ કહ્યું કે BMC દ્વારા ગોકુલધામ મ્યુનિસિપલ સ્કૂલમાં આ ઝૂંપડીઓમાં રહેતા ઓછામાં ઓછા 200-250 લોકોના ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભાંડુપમાં પણ લાગી હતી આગ

મુંબઈના ભાંડુપ પૂર્વના રામ નગર ટ્રોલી લેન વિસ્તારમાં શુક્રવારે આગ લાગી હતી, એમ પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાંડુપ પૂર્વમાં પોસ્ટ ઑફિસ નજીક આગ લાગી હતી. આ ઘટના શુક્રવારે બપોરે 12:18 વાગ્યે નોંધાઈ હતી અને મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) ટીમ દ્વારા ઝડપથી તેને કાબુમાં લેવામાં આવી હતી. મુંબઈ પાલિકાએ જણાવ્યું હતું કે આગ લગભગ 1000 x 2000 ચોરસ ફૂટના વિસ્તારમાં સૂકા ઘાસ, લાકડા અને ઝાડીઓ સુધી મર્યાદિત રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે "આગ બપોરે 1:03 વાગ્યે કાબુમાં આવી ગઈ હતી, જે પ્રથમ જાણ થયાના એક કલાક પછી જ હતી." એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ ઈજા થઈ નહોતી.

fire incident mumbai fire brigade marine lines mumbai news mumbai