midday

Mumbai Fire News: ઘોડબંદર રોડ પર આવેલા મૉલના પહેલા માળે આગ, બે દુકાનો બળીને રાખ

28 January, 2025 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire News: આગ લાગવાથી પરિસરમાં જ એક જૂતાની દુકાન આવેલી હતી તે નાશ પામી છે સાથે જ બાજુમાં આવેલ આઉટલેટને પણ નુકસાન થયું છે
આગની પ્રતીકાત્મક તસવીર

આગની પ્રતીકાત્મક તસવીર

આજે વહેલી સવારે મુંબઈના થાણે વિસ્તારમાં ભયાવહ આગ લાગવાની ઘટના (Mumbai Fire News) સામે આવી હતી. થાણેના હાયપરસિટી મૉલમાં આ આગ ફાટી છે. અહેવાલો જણાવી રહ્યા છે કે મૉલના જ પરિસરમાં આવેલી બે દુકાનો આ આગને લીધે નાશ પામી હતી. 

Mumbai Fire News: આ મૉલના પરિસરમાં જ એક જૂતાની દુકાન આવેલી હતી તે નાશ પામી છે સાથે જ બાજુમાં આવેલ આઉટલેટને પણ નુકસાન થયું છે. તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.

મૉલના ફર્સ્ટ ફ્લોર પર ફાટી આગ – કોઈ જાનહાનિ નથી 

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ આ મામલે જણાવ્યું હતું કે આ ઘટના (Mumbai Fire News)માં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. તેઓએ આ ઘટના વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે થાણેના ઘોડબંદર રોડ પર આ મૉલ આવેલો છે. મૉલના ફર્સ્ટ ફ્લોર પર સવારે 8 વાગ્યે આગ ભભૂકી હતી. 

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયરકર્મીઓ અને પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ ટીમના સભ્યો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ લાગવાની ઘટના સ્થળે એક બચાવ વાહન, એક ફાયર ટેન્ડર અને એક હાઇરાઇઝ ફાયર વાહન તૈનાત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુકેશ મિશ્રા નામની વ્યક્તિએ સૌને ચેતવ્યા હતા. તેણે જ મુંબઈ ફાયર વિભાગને આ મામલે જાણ કરી હતી. માહિતી મળતા જ થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટે તાત્કાલિક એક પીકઅપ વાહન સાથે કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા. લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સવારે 9.15 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણરીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

સિવિક અધિકારીએ આ મામલે (Mumbai Fire News) જણાવ્યું હતું કે અત્યારે આગ ઓલવવાની અને કૂલિંગ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ આગ કઈ રીતે લાગી તે સ્પષ્ટ થશે. આપત્તિ વ્યવસ્થાપન અને અગ્નિશામક ટીમો સાથે સંકલન કરવાના પ્રયાસોને કાસરવડાવલી પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પણ સ્થળ પર હાજર થઈ ગયા હતા. આગને કાબૂમાં લેવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

હજી તો 26 જાન્યુઆરીની સાંજે જ મુંબઈના કુર્લા ઈસ્ટ વિસ્તારમાં 15 માળની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ભયંકર આગ (Mumbai Fire News) લાગી હતી. લગભગ બે કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, એમ ફાયર અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.

સ્વસ્તિક પાર્ક નજીક શિવાજી નગર એસઆરએ બિલ્ડિંગમાં આગ વધુ વિકરાળ બને તેની પહેલાં જ તમામ રહેવાસીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈને ઈજા થઈ ન હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news mumbai fire incident mumbai fire brigade thane thane municipal corporation ghodbunder road